WhatsApp એક નવા અને અત્યંત ઉપયોગી ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાના ફોનનું સ્ટોરેજ મેનેજ કરવું પહેલાં કરતાં ઘણું સરળ થઈ જશે. WabetaInfo ના એક રિપોર્ટ મુજબ WhatsApp તેના લેટેસ્ટ એન્ડ્રોઇડ ૨.૨૫.૩૪.૫ બીટા અપડેટમાં નવું 'ચેટ ક્લિયરિંગ ફીચર' લાવી રહ્યું છે. આનાથી યુઝર્સ ચોક્કસ મેસેજ અને મીડિયા કેટેગરીને સરળતાથી ડિલીટ કરી શકશે.
નવા ફીચરની ખાસિયતો
આ નવું ફીચર રિયલ-ટાઇમ સ્ટોરેજ ડિસ્પ્લે સાથે આવશે અને યુઝર્સને વધુ નિયંત્રણ આપશે. મેસેજ ડિલીટ કરવા માટે એક નવું બોટમ શીટ ઇન્ટરફેસ રજૂ કરવામાં આવ્યું છે. આમાં એક્શન કન્ફર્મ કરતા પહેલા યુઝર જોઈ શકશે કે ખરેખર શું દૂર કરવામાં આવશે. યુઝર્સ આનાથી આખી વાતચીતને બદલે, ચોક્કસ મીડિયા ફાઇલ જેમ કે ફોટો, વીડિયો, ટેક્સ્ટ મેસેજ, અથવા ડોક્યુમેન્ટ્સ જેવી ચોક્કસ ફાઇલોને જ દૂર કરી શકશે.
આ સુવિધા એક રીઅલ-ટાઇમ સ્ટોરેજ ડિસ્પ્લે સાથે આવે છે, જે દર્શાવે છે કે ડિલીટ કર્યા પછી કેટલી જગ્યા ખાલી થશે. ગ્રુપ ચેટ્સ માટે આ ફીચર ખાસ કરીને મદદરૂપ થશે, જ્યાં મોટી વીડિયો અને ઓડિયો ફાઇલો ઝડપથી જમા થાય છે.
સ્ટાર કરેલા મેસેજ સાચવવાનું થશે સરળ
નવા અપડેટમાં ચેટ ક્લીન કરતી વખતે તમારા સ્ટાર કરેલા મેસેજને મેનેજ કરવાનું પણ સરળ બનાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, જો તમે આખી ચેટ ક્લિયર કરવા માંગો છો પરંતુ તેમાંથી સ્ટાર કરેલા મેસેજ કે મીડિયાને સેવ રાખવા માંગો છો, તો હવે તમને એક એડિશનલ પ્રોમ્પ્ટ મળશે. આ પ્રોમ્પ્ટ પૂછશે કે સફાઇ પૂરી કરતા પહેલા તમે તે મહત્વપૂર્ણ ઇમેજ, ફાઇલ કે નોટ રાખવા માંગો છો કે દૂર કરવા માંગો છો.