રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર રૈયાધાર નજીક આવેલા મારવાડીવાસ તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી વિતરણની કાયમી ફરિયાદ ઉકેલવા અહીં ડક્ટ આયર્ન (ડી.આઇ.) પાઇપલાઇન નાખવામાં આવી છે અને તે ડીઆઇ પાઇપલાઇનનું મુખ્ય લાઇન સાથે જોડાણ કરવા માટે ગઇકાલે ખોદકામ કરાયું હતું અને તે ખોદકામ દરમિયાન જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી નિકળતા પાઈપલાઈન જોડાણની કામગીરી વિક્ષેપિત થઇ હતી અને તેના પરિણામે આજે શહેરના કુલ ૧૮માંથી નવ વોર્ડમાં મતલબ કે અડધા રાજકોટમાં પાણી વિતરણ ખોરવાયું હતું જેના પગલે રાજકોટવાસીઓમાં દેકારો બોલી ગયો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયાધાર મેઇન રોડ ખાતે મારવાડીવાસ નજીક નવી ૬૦૦ મી.મી.ની ડી.આઈ. પાઇપલાઇનનું હાલની ૪૦૦ મી.મી. મુખ્ય લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.ગત સાંજે શરૂ કરાયેલ આ કામગીરી દરમિયાન ભૂગર્ભમાં સતત અને મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળતાં ડીવોટરિંગ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાતા જોડાણની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થયો છે. જેના લીધે રૈયાધાર હેડવર્ક્સ, ૧૫૦ ફૂટ રિંગ રોડ હેડવર્ક્સ તેમજ સોજીત્રા, ન્યારી અને ચંદ્રેશનગર હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.૧, વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૩ (પાર્ટ), વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૮ (પાર્ટ) વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧ (પાર્ટ) વોર્ડ નં.૧૨ (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ છથી આઠ કલાક જેટલું મોડું થતા દેકારો બોલી ગયો હતો. જે વિસ્તારોમાં વ્હેલી સવારે વિતરણ થતું હતું તેમાંના મોટા ભાગના વિસ્તારોમાં બપોરે અને અમુક વિસ્તારોમાં સાંજે વિતરણ થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ મોટાભાગના બોર ડુકી ગયા હોય લોકો ફક્ત મહાપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણી ઉપર આધારિત થઈ ગયા છે, ખાસ કરીને પશ્ચિમ રાજકોટમાં તો મોટા ભાગના એપાર્ટમેન્ટમાં હાલ પાણીના ટેન્કર દોડવા લાગ્યા છે. દરમિયાન આજે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કે જાહેરાત કર્યા વિના વિતરણ વિલંબિત થતા અનેક લોકોએ ટેન્કરનું પાણી ખરીદવું પડ્યું હતું.