ભારત સરકાર દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોને વ્યાખ્યાયિત કરવાના માપદંડોમાં 65 વર્ષ પછી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જો કોઈ ગામમાં ખેતી સિવાયની આર્થિક પ્રવૃત્તિઓ અને શહેર જેવી સુવિધાઓ હશે, તો ભવિષ્યમાં તેને 'શહેર' તરીકે જાહેર કરવામાં આવશે. 1961 પછી આ પ્રથમ એવો નીતિગત સુધારો હશે જે ભારતની બદલાતી વસ્તી અને આર્થિક પેટર્નને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરવાના દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.
સરકારનું માનવું છે કે છેલ્લા છ દાયકામાં દેશની અર્થવ્યવસ્થા, પરિવહન નેટવર્ક અને ડિજિટલ કનેક્ટિવિટીમાં ધરખમ ફેરફારો આવ્યા છે. હાલમાં ભારતના જે ધોરણો છે તે મુજબ દેશમાં 36 ટકા શહેરીકરણ છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના 'ડિગુર્બા' ધોરણો મુજબ આ આંકડો 80 ટકા જેટલો હોઈ શકે છે. 'ડિગુર્બા' પદ્ધતિમાં શહેરીકરણને માત્ર વહીવટી એકમો દ્વારા નહીં, પરંતુ સેટેલાઇટ ઇમેજરી, વસ્તી ગીચતા અને બિલ્ટ-અપ એરિયાના આધારે માપવામાં આવે છે.
નવા સંભવિત પરિમાણોમાં વસ્તી ગીચતા, બિન-કૃષિ રોજગારનું પ્રમાણ, દૈનિક મુસાફરીનું સ્તર, માર્ગ સુવિધાઓ, ડિજિટલ કનેક્ટિવિટી અને કચરા વ્યવસ્થાપન જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે. હાલના નિયમો મુજબ, જે વિસ્તારમાં 5,000થી વધુ વસ્તી હોય અને 75 ટકા પુરુષ કાર્યબળ ખેતી સિવાયના કામમાં રોકાયેલું હોય તેને 'સેન્સસ ટાઉન' ગણવામાં આવે છે, પરંતુ હવે આ વ્યાખ્યા વધુ વ્યાપક બનશે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટરે સંકેત આપ્યો છે કે નવા માપદંડોનો હેતુ કોઈને યોજનાઓના લાભથી વંચિત રાખવાનો નથી, પરંતુ સંસાધનોની વધુ સારી રીતે ફાળવણી કરવાનો છે. ગામડાઓને શહેર જાહેર કરવાથી ત્યાં માસ્ટર પ્લાન મુજબ આયોજિત વિકાસ થઈ શકશે. આનાથી તે વિસ્તારોને નાણા પંચની ગ્રાન્ટ, શહેરી વિકાસ બજેટ અને સરકારી સહાયમાં મોટો હિસ્સો મળશે. ખાસ કરીને શહેરોની આસપાસના 'પેરિ-અર્બન' વિસ્તારો માટે અલગ નીતિઓ બનશે, જેથી ત્યાં પાણી પુરવઠો, આવાસ અને પરિવહનની વ્યવસ્થા વધુ ચોક્કસ બની શકે.
શહેરીકરણના આ નવા સ્કેલથી ગામડાઓમાં સુવિધાઓ વધશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે, પરંતુ તેની સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તારોમાં પ્રદૂષણ વધવું, કચરાનો ગેરવહીવટ અને ગુનાખોરીમાં વધારો થવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જમીનના ઉપયોગની નીતિમાં ફેરફાર થવાથી ખેતીલાયક જમીનમાં ઘટાડો થવાની પણ શક્યતા છે.
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની 68.9 ટકા વસ્તી ગામડાઓમાં અને 31.1 ટકા વસ્તી શહેરોમાં વસતી હતી. દેશમાં આશરે 6.40 લાખ ગામડાઓ અને 7,935 નગરો છે. જો નવા માપદંડો અમલી બને, તો આગામી વસ્તી ગણતરીમાં ભારતની શહેરી વસ્તીનો આંકડો મોટો ઉછાળો મારી શકે છે. આ ફેરફાર માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીની સ્તરે માળખાગત સુવિધાઓના નકશા બદલવા માટેની મોટી તૈયારી સમાન છે.