વાંકાનેર–કચ્છ નેશનલ હાઈવે પર આવેલા વઘાસિયા ટોલનાકે શનિવારે મોડી રાત્રે ટોલટેકસના મુદ્દે ગ્રામજનો અને ટોલ સત્તાધીશો વચ્ચેનો લાંબા સમયથી સળગતો વિવાદ ફરી સપાટી પર આવ્યો હતો. સ્થાનિક વાહનચાલકો પાસે થી ટોલ વસૂલાતના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ટોલનાકે એકત્રિત થયા હતા અને ચક્કાજામ કરતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.મળતી માહિતી અનુસાર, વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છ તરફ જતાં રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પર આવેલા વઘાસિયા ટોલનાકે સ્થાનિક રહેવાસીઓ પાસેથી પણ ટોલટેકસ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપોને લઈને લોકોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો હતો. શનિવારે મોડી રાત્રે આ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ ટોલનાકા પર ચક્કાજામ કરતાં હાઈવે પરનો વાહનવ્યવહાર અડધા કલાકથી વધુ સમય માટે પ્રભાવિત થયો હતો. બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદો–વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરચો સંભાળ્યો હતો. પોલીસ દ્રારા ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ચર્ચા અને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બનતાં વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી સળગતો સ્થાનિક મુદ્દો સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત અંગે ગ્રામજનોમાં અગાઉ થી અસંતોષ હોવાનું સામે આવ્યું છે. ટોલ વસૂલાતના નિયમો, સ્થાનિકોને મળતી છૂટછાટ અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે સ્પષ્ટ્રતા કરીને સંબંધિત તત્રં દ્રારા કાયમી ઉકેલ લાવવાની જરિયાત સામે આવી છે. હાલ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. પોલીસ અને સંબંધિત તત્રં દ્રારા ચર્ચા મારફતે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે