ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે સવારે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી, જ્યાં સિંહે એક માલધારી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલાનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હુમલાનો ભોગ બનનાર માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમારને ગંભીર હાલતમાં લોહીલુહાણ અવસ્થામાં તાત્કાલિક પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. વન વિભાગે આ સમગ્ર મામલાની ગંભીરતા નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક મળતી વિગતો અનુસાર, વહેલી સવારે જ્યારે માલધારી કાળુભાઈ પોતાના પશુઓ સાથે હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહે કાળુભાઈના હાથના ભાગને પોતાના મોઢામાં દબોચી લીધો હતો. આ કટોકટીની ક્ષણે પોતાનો જીવ બચાવવા માટે કાળુભાઈએ અદ્ભુત ધીરજ બતાવીને સિંહના માથા પર હાથ ફેરવીને તેને પંપાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હિંસક બનેલા સિંહે તેમના ગળા અને શરીરના અન્ય ભાગો પર પંજા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
વાયરલ વીડિયોમાં કેદ થઈ સિંહની ડણક
વાયરલ થયેલા કંપારી છૂટી જાય તેવા લાઈવ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહ માલધારી કાળુભાઈને જમીન પર પછાડીને તેમની ઉપર દબોચીને બેઠો છે. સિંહે પોતાના પગની આંટી મારીને માલધારીને જકડી રાખ્યા હતા અને વચ્ચે-વચ્ચે ભયાનક ડણકો મારી રહ્યો હતો. કાળુભાઈ લોહીલુહાણ હાલતમાં વનરાજના ચુંગાલમાંથી મુક્ત થવા માટે હિંમતભેર વલખા મારી રહ્યા હતા અને સિંહના ગુસ્સાને શાંત કરવા તેના શરીર પર હાથ ફેરવતા નજરે પડ્યા હતા.
આ દ્રશ્ય જોઈને આસપાસ એકઠા થયેલા સ્થાનિક લોકો અને અન્ય માલધારીઓ જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા. કાળુભાઈનો જીવ બચાવવા માટે લોકોએ સિંહ પર પથ્થરોના ઘા પણ કર્યા હતા, જેના કારણે આખરે સિંહ માલધારીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો.
આ હુમલામાં કાળુભાઈના શરીર પર ઊંડા ઘા વાગ્યા હોવાથી પુષ્કળ લોહી વહી ગયું હતું. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગરાજીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.