BREAKING NEWS

વીડી સતીસન બનશે કેરળના નવા મુખ્યમંત્રી, કેસી વેણુગોપાલનું પત્તું કપાયું

  • May 14, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે વી.ડી. સતીશન નવા મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા મહાસચિવ કે.સી.વેણુગોપાલને કેરળના સીએમ બનવાનો ચાન્સ નથી મળ્યો. વેણુગોપાલનું પત્તું કપાઈ ગયું છે.


કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમાપ્ત થયા બાદ આખરે સીએમ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી આ મામલે મડાગાંઠની સ્થિતિ યથાવત્ હતી. ગુરુવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કેરળના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પહેલા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી હતી. ખડગે સાથેની ચર્ચા બાદ એઆઈસીસીના મહાસચિવ ઈન્ચાર્જ દીપા દાસમુંશી અને બે વરિષ્ઠ પર્યવેક્ષક અજય માકન અને મુકુલ વાસનિકે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી. કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે ગઇકાલે લગભગ અડધો કલાક બેઠક કરી હતી.


61 વર્ષીય વી.ડી. સતીશન વર્ષ 2001 થી એર્નાકુલમ જિલ્લાની પરવૂર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. વ્યવસાયે વકીલ એવા સતીશને તિરુવનંતપુરમની સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. કેરળમાં યુડીએફને 140 માંથી 102 બેઠકો સાથે બહુમતી મળ્યાના 10 દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદની રેસમાં કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે હાઈકમાન્ડ દ્વારા સતીશન પર પસંદગી ઉતારવામાં આવી છે.


તેમનો જન્મ 31 મે 1964 ના રોજ કોચ્ચિના નેટ્ટુરમાં એક નાયર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરા મેનન અને માતાનું નામ વી.વિલાસિની હતુ. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયલ સાયન્સમાં કર્યું છે. તિરુવનંતપુરમથી તેમણે માસ્ટર ઓફ લૉની ડિગ્રી લીધી હતી. 1986-87માં તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી યુનિયનના અધ્યક્ષ બન્યા હતા. તે રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 1996માં તેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ હતી. પહેલીવાર કેરળની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીપીઆઈના ઉમેદવાર સામે હારી ગયા હતા. ત્યારબાદ સતીશન પહેલીવાર 2001માં કેરળ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેઓ તે સમયે હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે 2021 માં તેઓ પરાવુર વિસ્તારથી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application