ધ્રોલ યાર્ડની ૧૦.૮૫ લાખની ચોરીમાં વધુ બે આરોપી પકડાયા

  • July 24, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝડપી લઇ વધુ ૭.૪૭ લાખની રોકડ કબ્જે કરી

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં થયેલી ૧૦.૮૫ લાખની ચોરીમાં અગાઉ એક આરોપી પકડાયો હતો દરમ્યાન એલસીબીએ વધુ બે આરોપીને ૭.૪૭ લાખની રોકડ સાથે પકડી પાડી તમામ મુદામાલ રીકવર કર્યો છે.
ધ્રોલ માર્કેટ યાર્ડમાં ફરીયાદી રાકેશ મનહરભાઇ શેઠની શ્રી મહાવીર ટ્રેડીંગ કાું. નામની દુકાનમાં ગત તા. ૧૮-૬-૨૩ના રોજ ત્રાટકેલા તસ્કરો ૧૦.૮૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા, જે ફરીયાદના આધારે રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવની સુચનાથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા તપાસ કરી અગાઉ એક શખ્સને પકડી લીધો હતો જેમાં અન્યની સંડોવણી ખુલી હતી.
દરમ્યાન જામનગર એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફ દ્વારા અલગ ટીમ બનાવી ટેકનીકલ અને હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી અમદાવાદ જીલ્લા ઉપરાંત ધ્રોલ વિસ્તારમાં શકમંદોને તપાસવમાં આવ્યા હતા.
એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડીયા, હરદીપ ધાંધલને મળેલ બાતમી આધારે ધ્રોલના લતીપર બસ સ્ટેન્ડ પાસેથી યાર્ડમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ બે શખ્સ રાણાવાવ તાલુકાના રાણા કંડોરણાના મુળ વતની અને હાલ રાજકોટ રૈયાની ધાર રામાપીર ચોકડી પાસે રહેતા અનિલ રામા સોલંકી અને મુળ રાણા કંડોરણાના અને હાલ જેતપુર યાર્ડની સામે ગણેશનગરમાં રહેતા પરેશ નરશી સોલંકીને પકડી લીધા હતા.
બંનેની પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ ૭.૪૭ લાખ કબ્જે લેવામાં આવી છે આમ યાર્ડની ચોરીનો સો ટકા મુદામાલ એલસીબીએ રીકવર કર્યો છે. તપાસ દરમ્યાન આરોપી પરેશ અગાઉ રાજકોટ પ્ર.નગર, રાજકોટ સીટી-એ, ગીર ગઢડા, પ્રભાસ પાટણના બે ગુના મળી કુલ ૫ ગુનામાં સંડોવાયેલ છે, જયારે અનિલ ચાર વર્ષ પહેલા રાજકોટ માલીયાનગર પોલીસ સ્ટેશન ચોરીના ગુનામા પકડાયેલ જયારે આઠ મહીના પહેલા રાજકોટ પ્ર.નગર ચોરીના ગુનામાં પકડાયો હતો ઉપરાંત રાજકોટ પ્ર.નગર, થોરાણા અને પડધરી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application