અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા બે નિર્દોષ બાળકીઓના કરૂણ મોત નિપજ્યાં છે. આ મામલે તંત્રની ઘોર બેદરકારી પણ સપાટી પર આવી છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પરિવારે બે દિવસ પહેલા બજારમાંથી ઢોસા બનાવવાનું ખીરું મંગાવ્યું હતું. રાત્રિના સમયે પરિવારે આ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા. જોકે, વહેલી સવાર થતા જ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી અને તમામને સતત ઊલટીઓ થવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા પરિવારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન માત્ર ત્રણ મહિનાની માસૂમ બાળકી અને ચાર વર્ષની બાળકીએ દમ તોડી દીધો હતો. એકસાથે બે દીકરીઓના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હાલમાં બંને બાળકીઓના માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
મૃતક બાળકીઓના દાદા ગૌરીશંકર પ્રજાપતિએ ભારે હૈયે જણાવ્યું હતું કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ સવારે મારા દીકરા, પુત્રવધૂ અને બંને પૌત્રીઓને અચાનક ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. અમે તાત્કાલિક હોસ્પિટલ દોડ્યા, પણ હોસ્પિટલમાં પહેલા ત્રણ મહિનાની દીકરી અને ત્યારબાદ ચાર વર્ષની દીકરીનું મોત થયું છે. મારો દીકરો અને વહુ હજુ પણ કે.ડી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે આ મામલે જવાબદાર સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની નિષ્ક્રિયતા ઉઘાડી પડી છે. એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ફૂડ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આરોગ્ય તંત્ર હાલમાં ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી અસરગ્રસ્ત પરિવારની કોઈ દરકાર લેવામાં આવી નથી. જ્યારે બે કિંમતી જીવ ગયા ત્યારે તંત્ર જાગ્યું હોય તેમ જણાય છે.
AMCના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે માત્ર એટલું જ જણાવ્યું હતું કે, "ચાંદખેડાની આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ." જોકે, હજુ સુધી ખીરાના નમૂના લેવા કે તે કઈ દુકાનેથી આવ્યું હતું તેની નક્કર કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચાંદખેડા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખીરામાં કયા પ્રકારનું ઝેરી તત્વ હતું અથવા તે કેટલું જૂનું હતું તે જાણવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી શકે છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. બજારમાં મળતા પેકિંગવાળા લોટ અને ખીરાની ગુણવત્તા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.