બે દાયકા જૂની માંગણી સંતોષાઇ... રાજકોટ-ભુજ વચ્ચે રોજ ટ્રેન દોડશે, જાણો ટાઈમટેબલ અને અંદર શું શું સુવિધાઓ હશે

  • March 19, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-ભુજ વચ્ચે આગામી 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 જૂન સુધી આ ટ્રેન ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ટ્રેન ચાલુ રાખવી કે કેમ તે બાબતનો નિર્ણય કરાશે.​​​​​​​


આ જગ્યાએ ટ્રેન સ્ટોપ કરશે
21 માર્ચથી આ ટ્રેનનો આરંભ થશે જે 30 જૂન સુધી દોડાવાશે. ભુજથી સવારે 6.50 કલાકે ઉપડી બપોરે 1.35ના રાજકોટ અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21.40ના પરત ભુજ આવશે. રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીંસરા, મોરબી સ્ટોપ નક્કી કરાયા છે. જોકે, અંજાર અને આદિપુર સ્ટેશનની બાદબાકી કરાતાં કચવાટ ફેલાયો છે. 273 કિલોમીટરનું અંતર કાપવામા આ ટ્રેન 7 કલાકનો સમય લેશે. રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ સંચાલિત થનારી આ ટ્રેનનું પ્રાથમિક મેઇન્ટેનન્સ ભુજ અને એક્ઝામિનેશન રાજકોટ સ્ટેશને થશે.


ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે
આ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે તેમ રેલવે દ્વારા જણાવાયું છે. મહત્વનું છે કે, ભુજ-રાજકોટ વચ્ચે વર્ષ-2003 આસપાસ આનંદ એક્સપ્રેસ દોડતી હતી જોકે પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધરીને રેલવે દ્વારા એકાદ વર્ષમાં આ સેવા સમાપ્ત કરી દેવાઈ હતી તે બાદ અઢળક રજૂઆતો કરવા છતાં કચ્છથી સૌરાષ્ટ્રને જોડતી એકપણ રેલસેવા ન હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો ત્યારે આખરે માંગણી સંતોષાઈ છે.

ટ્રેનમાં એસી ચેર કાર અને સ્લિપર કોચ પણ હશે
કુલ 10 કોચની આ ટ્રેનમાં એક એસી ચેર કાર, એક સ્લિપર સાથે 6 જનરલ કોચ હશે જેમાં ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા હશે. આજે રેલવે દ્વારા ભાડા અને બુકિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને ઉનાળુ વેકેશન હોવાથી મહત્તમ પ્રવાસીઓને આ નવી સુવિધાનો લાભ મળશે. ટ્રેન શરૂ થવાના સમાચાર મળતા કચ્છીઓમાં ખુશી ફેલાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application