ચોટીલા હાઈવે પર ટ્રાફિક તત્રં ફેલ: નવ કલાક સુધી યાત્રાળુઓ ફસાયા
ચોટીલા હાઈવે પર ટ્રાફિક તત્રં ફેલ: નવ કલાક સુધી યાત્રાળુઓ ફસાયા
June 02, 2026 11:45 AM
યાત્રાધામ ચોટીલા નેશનલ હાઈવે પર વહીવટી તંત્રના કથિત મિસ–મેનેજમેન્ટને કારણે એક ઐતિહાસિક ટ્રાફિક જામ સર્જાયો હતો. રવિવાર, વેકેશન અને પુષોત્તમ માસની પૂનમનો ત્રિવેણી સંગમ હોવા છતાં, ટ્રાફિક નિયમન કરવામાં ગઈ કાલે તંત્રનો પન્નો ટૂંકો પડતાં લાખો પ્રવાસીઓએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વહેલી સવારે ૪ વાગ્યાથી જ રાજકોટ અને અમદાવાદ તરફ જતો હાઈવે અંદાજે ૫ થી ૭ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારોથી ઉભરાઈ ગયો હતો. આ આઠ–નવ કલાક લાંબા નોન–સ્ટોપ જામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાયેલી જોવા મળી હતી, જે તંત્રની ગંભીર લાપરવાહી છતી કરે છે. અનુભવીઓના મતે આ અંધાધૂંધી પાછળ અનેક પરિબળો જવાબદાર હતા. જેમાં ચોટીલા–રાજકોટ હાઈવે પર આવેલા ચાણપા બ્રિજ પર ચાલી રહેલું મરામત કામ અને વહેલી સવારે થયેલા બે નાના અકસ્માતો કારણ બન્યા હતા. દર પૂનમે આવતા હજારો વાહનો અને પવિત્ર માસના ઘસારાની આગોતરી જાણ હોવા છતાં ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોની હાજરી હોવા છતાં યોગ્ય સેન્સ અને દિશાનિર્દેશ ન હોવાને કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. આટલો મોટો જામ સર્જાયા બાદ છેક મોડેથી જાગેલા તત્રં દ્રારા ટ્રાફિક હળવો કરવા માટે દોડધામ શ કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ભારે જહેમત બાદ બપોરે ૨ વાગ્યે આ રૂટ પર વાહનવ્યવહાર ધીમે–ધીમે પૂર્વવત થયો હતો. ચોટીલા ચામુંડાધામમાં આટલા વર્ષેામાં દિવાળી જેવા મોટા તહેવારોના દિવસોમાં પણ હાઇવે ટ્રાફિકમાં આવા દ્રશ્યો કદી નથી સર્જાયા ત્યારે આ ઐતિહાસિક ગણાય તેવા ટ્રાફિક જામને કારણે સર્જાયેલ અંધાધૂંધી અને ટ્રાફિક નિયમનની ગડબડ સર્જાવા પાછળ ઘોર લાપરવાહીની ચર્ચા સાથે જનતામાં આવનાર સમય અને વધતા વાહનો અને યાત્રિકોનાં સારા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે