અમરેલી જિલ્લાના રાજુલા-ખાંભા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાવેરા ગામ નજીક કપચી (કાંકરી) ભરેલું એક ટ્રેક્ટર અચાનક રોડ સાઈડના ઊંડા ખાળિયામાં ખાબકતા ડ્રાઈવરનું દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ભારેખમ ટ્રેક્ટર પલટી જતાં સર્જાયો કાળ
મળતી માહિતી મુજબ ખાંભા રોડ તરફથી કાંકરી ભરીને આવતું એક ટ્રેક્ટર જ્યારે વાવેરા નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેક્ટર પૂરપાટ ઝડપે રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ટ્રેક્ટર પલટી મારી જતાં ચાલક તેના ભારેખમ વજન નીચે દબાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક મુકેશભાઈ જીવાભાઈ મુંધવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
સ્થાનિકોની જહેમત છતાં જીવ ન બચ્યો
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી મુકેશભાઈને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકનું મોજું
મુકેશભાઈ મુંધવાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં વજ્રપાત થયો છે. મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈના અકાળે અવસાનથી માલધારી સમાજ અને સ્થાનીકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.