કાલે બજેટ બોર્ડ: મેયરનો મોટરકાંડ ચર્ચાશે કે બજેટ ?

  • February 18, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને બજેટ મંજુર કરવા માટે જનરલ બોર્ડ મિટિંગ મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ શાસકો ફૂલ ફોર્મમાં છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસનું મોઢું સિવાઇ ગયા જેવી સ્થિતિ છે. સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા કરબોજ વિહોણા બજેટમાં વિરોધ કરવા જેવું કંઇ નહીં રહેતા વિપક્ષ ઉંધામાથે થયો છે. હવે કાલે બજેટ બોર્ડમાં મેયરનો મોટરકાંડ ચર્ચાશે કે પછી અંદાજપત્રીય ચર્ચા થશે તે જોવાનું રહેશે.


રાજકોટ મહાપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટિએ કરબોજ ફગાવી સાકાર થાય તેવી યોજનાઓ જ મંજુર કરતા વિપક્ષ પાસે કોઇ મુદ્દો રહ્યો નથી. રાજકીય ભેદભાવ રાખ્યા વિના વિપક્ષી નેતાની ગ્રાન્ટ પણ વધારી આપી હોય તેમજ વિપક્ષના વોર્ડમાં પણ વિકાસકામોના પ્રોજેક્ટ્સ મુક્યા હોય તેમજ ખર્ચમાં કાપ મુકી કરકસરના શ્રેણીબધ્ધ પગલાં લેતા હવે વિપક્ષ ઉંધામાથે થયો છે. બજેટમાં કઇ બાબતનો વિરોધ કરવો તે મુદ્દે હવે કોંગ્રેસની કસોટી થતા હવે વિપક્ષ મેયરનો મોટરકાંડ ગજાવવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં બજેટ તેમજ તે અંતર્ગતની કુલ ૧૨ દરખાસ્તો અંગે નિર્ણય થશે જેમાં (૧) ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો( નેશનલ મ્યુનિસિપલ મ્યુનિસિપલ એકાઉન્ટ્સ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુરૂપ) તથા ડિજિટલાઇઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું રિવાઈઝ્ડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર મંજુર કરવા (૨) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા (૩) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાણી દર નિયત કરવા (૪) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા (૫) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા (૬) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વાહન કર નિયત કરવા (૭) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે થિએટર ટેક્ષ નિયત કરવા(૮) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા (૯) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા (૧૦) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા (૧૧) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફાયર ટેક્સ નિયત કરવા તેમજ (૧૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.


ભાજપની જીત અંગે અભિનંદન ઠરાવ આવી શકે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થતા આવતીકાલે મળનારી બજેટ બોર્ડ મિટિંગમાં શાસકો દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવાની વિચારણા શરૂ કરાઇ છે. સામાન્ય રીતે દેશમાં ક્યાંય પણ ભાજપની જીત થઇ હોય તેના પડઘા રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં અચૂક સાંભળવા મળે છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત થતા આ જીત તો ચર્ચાશે જ તે નક્કી છે.


કોંગ્રેસના કુલ ચાર કોર્પોરેટર ને તેમાં પણ બે જૂથ

રાજકોટ મહાપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ પાસે કુલ ચાર કોર્પોરેટર છે અને તેમાં પણ બે જૂથ છે ! બે કોર્પોરેટર મેયરનો મોટરકાંડ ગજવવાના મૂડમાં છે તો બે કોર્પોરેટર ફક્ત બજેટની ચર્ચા કરવી જ તેવું જણાવી રહ્યા છે. જો કે કુલ ચારમાંથી કાલની મિટિંગમાં હાજર કેટલા રહેશે ? તેના ઉપર બધું આધારિત રહેશે. કોંગ્રેસના ચાર કોર્પોરેટર આજ બપોર સુધીની સ્થિતિએ ક્યા મુદ્દે વિરોધ કરવો અને શેની ચર્ચા કરવી તે મુદ્દે એકમત નહીં થઇ શક્યા નહીં હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application