સંતોકબેન જાડેજાની આજે ૧૪મી પુણ્યતિથિ

  • March 31, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માતૃત્વની વાત્સલ્ય મૂર્તિ અને સેવાના પર્યાય સંતોકબેન જાડેજાની આજે ૧૪મી પુણ્યતિથિ છે ત્યારે કહી શકાય કે મહેર સમાજના પ્રથમ મહિલા ધારાસભ્યએ માત્ર રાજકીય રીતે જ નહીં, શૈક્ષણિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યુ છે અને કાંધલ  જાડેજા બાદ બીજા પુત્ર કાના જાડેજાની રાજકીય કારકિર્દીનો અધ્યાય શ‚ થતા અંતરીક્ષમાંથી આશીર્વાદ વરસાવતા હશે.
૧૪ વર્ષ પહેલા થયુ હતુ નિધન
સંત અને શુરાની ભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમાંથી ૩૧ મી માર્ચ ૨૦૧૧ ની સંધ્યાએ નારીશક્તિની જ્યોત અને મહેર સમાજના પ્રથમ ધારાસભ્ય એવા સંતોકબેન જાડેજાએ વિદાય લીધી હતી. તેમની આ વિદાયથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા સહિત જ્યાં-જ્યાં  માત્ર મહેરસમાજ જ નહીં પરંતુ પોરબંદરવાસીઓ વસતા હતા ત્યાં-ત્યાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. ગુજરાતની ખમતીધર આમ જનતાએ આંચકો અનુભવ્યો અને એમની પડેલી ખોટ આજે પણ વરતાઇ રહી છે. 
પારિવારિક પરિચય
પોરબંદર પંથકના ખમીરવંતા મહેર સમાજના નારીરત્ન એવા સંતોકબેન જાડેજાનો જન્મ કુતિયાણાના કાંસાબડ જેવા નામના એક નાનકડા ગામડામાં ખેતીને વ્યવસાય બનાવીને સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા પરિવારમાં થયો હતો. ઉકાભાઈ ઓડેદરાના પાંચ સંતાનોમાં ચાર બહેનો અને એક ભાઈમાં ત્રીજા નંબરના પુત્રી સંતોકબહેનનું દામ્પત્યજીવન ગુજરાતમાં જેમનું નામ ઘરેઘરે જાણીતું  છે તેવા સરમણ મુંજા જાડેજા (કડછા) સાથે શ‚ થયું હતું. સરમણભાઈની હયાતી દરમિયાન સંતોકબેનને કે પરિવારના કોઈ સભ્યને સ્વપ્ને પણ કલ્પના નહીં આવી હોય કે એક સમયે જાહેરજીવનમાં ડંકો વગાડનાર આ લોખંડી મહિલાએ પતિની છત્ર છાંયા નીચે એક કુટુંબ વત્સલ નારી તરીકે ફરજ બજાવી છે. સરમણભાઈ અને સંતોકબહેનના દામ્પત્યજીવનના ફળ‚પે જાડેજા પરિવારના આંગણે ચાર પુત્ર રત્નો મોટા થઈ રહ્યા હતા. તેમાં સૌથી મોટા પુત્ર કાંધલ જાડેજા એટલે આજે કુતિયાણા વિસ્તારના સતત ત્રીજી વખત ચૂંટાયેલા લોકપ્રિય યુવા ધારાસભ્ય છે.  કે જેમણે માતાના રસ્તે ચાલીને પોતાના મતવિસ્તારના વિકાસ માટે ખૂબ મહત્વનું યોગદાન આપ્યુ છે. કાંધલના બીજા ત્રણ ભાઈઓ પણ કરણભાઈ, ભોજાભાઈ અને કાનાભાઈ અજબગજબની કોઠાસૂઝ ધરાવીને માતા-પિતાના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સહિતના વ્યવસાયોમાં સહાય‚પ થતા હતા ત્યાં જ જાડેજા પરિવાર ઉપર સ્વ. સરમણભાઈ જાડેજાના અવસાન પછી ઘેરા શોકની લાગણી ફરી વળી હતી અને પરિવાર જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર શોકમગ્ન બની ગયું હતું.
રાજકીય કારકિર્દીની શ‚આત
સરમણભાઈ જાડેજાના અચાનક નિધનથી પરિવાર પર આવી પહેલા આ ઘેરા ઘા ને સહન કરવાની શક્તિ સંતોકબહેને થોડા જ સમયમાં મેળવી લીધી અને તેમણે જાહેર જીવનમાં સક્રિય થવાનું બીડું ઝડપ્યું અને તેના પ્રયાસ‚પ ૧૯૮૮ માં પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા. એટલું જ નહીં, પરંતુ તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા અને પ્રજાએ તેમના ઉપર મૂકેલો વિશ્ર્વાસ તેઓએ સાર્થક ઠેરવ્યો હતો. છેવાડાના માનવીઓની પણ હંમેશા મદદ માટે તેઓ સક્રીય રહેતા હતા અને તેથી જ તેઓ આજે પણ લોકોના માનસપટ ઉપર અનોખુ સ્થાન ધરાવે છે.
ધારાસભ્ય તરીકે અનોખો દબદબો
ગુજરાતના રાજકારણમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલની જનતાદળની સરકાર કાર્યરત હતી ત્યારે કુતિયાણાના વિધાનસભાના સ્ત્રી ધારાસભ્ય તરીકે સંતોકબેન જાડેજાએ કુતિયાણા, રાણાવાવની સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક કાયાપલટ કરી નાખી હતી. આ પંથકના વિકાસમાં તેમનું ખુબ મહત્વનું યોગદાન રહ્યું હતું. સમગ્ર ગુજરાતમાં મહેરસમાજ તેના શૌર્ય અને સાંસ્કૃતિક વારસાને કારણે સુવિખ્યાત છે. મહેરસમાજના ઈતિહાસમાં અનેક સ્ત્રી-પુ‚ષો તેમનાં શૌર્ય અને ભક્તિના રંગથી વિખ્યાત છે. તેમાંય તે મહેર સમાજની મહિલાઓ પુ‚ષ સમોવડી બની રહીને સમાજમાં એક આદર્શ નારી સમાજ તરીકે સુવિખ્યાત છે. પરંતુ મહેરસમાજના સામ્પ્રત ઈતિહાસમાં મહેર જ્ઞાતિના કોઈ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હોય એવો નવો ઈતિહાસ ૧૯૯૦ ની સાલમાં નોંધાયો અને જ્યાં આઝાદી પછી નવાબોની શાન ઠેકાણે લાવવા આરઝી હકૂમતનો સુવર્ણ ઈતિહાસ રચાયો હતો એ કુતિયાણા વિસ્તારમાં સંતોકબહેને મહીલા ધારાસભ્ય તરીકે કાર્યક્ષેત્રની ક્ષિતિજોનો અસીમ વિસ્તાર કર્યો હતો.
એસ.એમ. જાડેજા કોલેજની સ્થાપના કરાવી
કુતિયાણા પંથકમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું તેથી શિક્ષણનો વિકાસ અન્ય વિસ્તારોના પ્રમાણમાં ઓછો થયો છે એવું લાગતા સંતોકબહેને સ્વ. સરમણ મુંજા જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના કરી ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો અને આજે આ કોલેજ એક સુવ્યવસ્થિત કોલેજ તરીકે ધમધમી રહી છે અને વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ સારામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે તેમણે બિડુ ઝડપ્યું હતું અને વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવતિઓને કુતિયાણા અને ઘેડપંથકમાં કોલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવવું સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.
એ સમયે હજારો વિદ્યાર્થીનીઓ ધોરણ ૧૨ પછી એટલા માટે અભ્યાસ છોડી દેતી હતી કે સ્થાનિક કક્ષાએ કોલેજની સુવિધા નહીં હોવાથી તેઓને ફરજિયાતપણે ઉચ્ચ શિક્ષણ માટે પોરબંદર આવવું પડતું હતું તેથી આ કોલેજના માધ્યમથી ખરા અર્થમાં કુતિયાણા અને ઘેડ પંથકમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરીને યોગદાન આપ્યું તેનો લાભ આજે પણ યુવતીઓને મળી રહ્યો છે. ઉચ્ચશિક્ષણની સાથે-સાથે પ્રાથમિક સ્કૂલો નવી શ‚ કરીને અને જે સ્કૂલો હતી તેને શિક્ષણની રીતે સુવ્યવસ્થિત કરીને શિક્ષણનો વ્યાપ વધારવાની સાથેસાથે સંતોકબહેને ખાસ કરીને આર્થિક રીતે પછાત લોકોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે સરકારની મદદથી અને પોતાના પરિવાર તરફથી બનતી બધી જ મદદ કરીને લોકોનો વિશ્ર્વાસ જીતી લીધો. હજારો વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકીર્દી બનાવવામાં કુતિયાણાની જાડેજા કોલેજનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. આમ, લોખંડી અને લડાયક મહિલા અને મહેર સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સંતોકબેન જાડેજાની આજે ૧૪મી પૂણ્યતિથિ છે ત્યારે લોકો આજે પણ તેમને ભુલી શકયા નથી ત્યારે ‘આજકાલ’ પરિવાર તરફથી પણ તેમને શબ્દાંજલિ પાઠવવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application