યુવતી સાથેના ફોટા મંગેતરને મોકલી સગાઈ તોડી નાખવા ધમકી

  • December 12, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતી યુવતી ને સગપણ માટે જોવા આવેલા શખસે તેણીને વાતોમાં ભોળવી તેની સાથે ફોટા પાડી લીધા હતા. બાદમાં આ યુવતીનું અન્ય તરફ સગપણ નક્કી થઈ જતા આ શખસે આ ફોટા તેના મંગેતરને મોકલી યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. જે અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકાના શુકલપીપળીયા ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધે કુવાડવા રોડ પોલીસનો મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય કરસનભાઈ મંદુરીયા (રહે. સુરેન્દ્રનગર)નું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માલ ઢોરનો ધંધો કરે છે અને તેને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે.ચારેક માસ પૂર્વે તેમના ઘરે તેમની 20 વર્ષની દીકરીને જોવા માટે સુરેન્દ્રનગરથી અજય અને તેનો પરિવાર આવ્યો હતો. તેઓના રીત રિવાજ મુજબ આ પરિવાર રાતે અહીં જ રોકાયો હતો.

આ સમયે અજય યુવતી સાથે વાતચીત કરી કહ્યું હતું કે, મારા પરિવારને તારા ફોટા બતાવવા પડશે તેમ કહી અજય તેના ફોનમાં યુવતીના ફોટા પાડી લીધા હતા. જોકે બાદમાં યુવતીના પરિવારને અહીં સગપણ કરવું ન હોય તેઓએ ના કહી દીધી હતી.ત્યારબાદ 15 એક દિવસમાં ચોટીલા પંથકના યુવક સાથે યુવતીનું સગપણ નક્કી થયું હતું. દરમિયાન યુવતીના મંગેતરને અજયે પોતાના મોબાઈલ ફોન પરથી અલગ અલગ રીતે યુવતીના ફોટા અને વિડીયો બનાવી મોકલ્યા હતા. જેથી આ બાબતે યુવતીના મંગેતરે તેના પરિવારને વાત કરતા તેમણે અજયના બનેવીને વાત કરી હતી અને બાદમાં અજય સાથે આ બાબતે વાત કરતા અને આવા ફોટા નહીં મોકલવાનું કહેતા અજય માન્યો ન હતો અને ઊલટું કહ્યું હતું કે, યુવતીની સગાઈ તોડી મારી સાથે લગ્ન કરાવો નહિતર હું હજુ પણ વધુ ફોટા અને વિડીયો બનાવેલા છે તે પણ વાઇરલ કરી દઈશ અને દીકરીને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી આ બાબતે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 506, 509 અને આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application