જામનગરના એરફોર્સ-૧ જેવા સુરક્ષિત વિસ્તારમાં આવેલા ચાર રહેણાક મકાનોમાં ચોરી થયાનું સામે આવતાં ભારે ચકચાર

  • March 04, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તસ્કરોએ એકી સાથે ચાર રહેણાંક મકાનોને નિશાન બનાવી લઈ રૂપિયા પોણા બે લાખની માલમતા ની ચોરી કરી ગયા ની ફરિયાદ

જામનગરના એરફોર્સ-૧ વિસ્તારમાં આવેલા એક વોરંટ ઓફિસર સહિતના ચાર એરફોર્સ ના અધિકારી- કર્મચારીના બંધ મકાનોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ ચારેય મકાનોમાંથી રૂપિયા પોણા બે લાખની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં રહેતા અને વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કમલેશ મોહનભાઈ ચતુર્વેદી, કે જેઓ પોતાના મકાનને તાળુ મારીને પરિવાર સાથે પોતાના વતનમાં ગયા હતા, પાછળથી તેમના બંધ રહેણાંક મકાનના તાળાં તોડી કોઈ તસ્કરો એ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત રૂપિયા ૮૧,૦૦૦ ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
તેઓએ જામનગર પરત આવ્યા પછી મકાનમાં ચેક કરતાં ઉપરોકત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન તેની આસપાસમાં આવેલા અન્ય ત્રણ મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.
જેમાં પાડોશી અમોત સંજયભાઈ નામના કર્મચારી ના  મકાનમાંથી રૂપિયા ૩૫,૦૦૦ ની માલમતાની ચોરી થઈ હતી, જ્યારે અન્ય પાડોશી એ.પી. દીક્ષિત ના બંધ મકાનમાંથી રૂપિયા ૨૫,૦૦૦ ની માલમતા ચોરાઈ હતી. જ્યારે ચોથા પાડોશી અખીલનાથ ડકુઆ ના મકાનમાંથી પણ ૩૫,૦૦૦ ની માલમતા ની ચોરી થઈ ગયા નું જાણવા મળ્યું હતું.
જેથી આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ચારે મકાનમાંથી કુલ રૂપિયા ૧,૭૬,૦૦૦ ની માલમતા ચોરી થઈ હોવાનું જાહેર કરાયું હતું. સીટી સી ડિવિઝન ના પી.એસ.આઇ. વી.બી.બરબસિયા એરફોર્ષ સ્ટેશનમાં દોડી ગયા હતા, અને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application