મામા-ભાણેજે ચોરીનો પ્લાન બનાવ્યો, દુકાનના કર્મચારીએ મદદગારી કરી, ચોરી બાદ રૂ.31-31 હજારની ભાગબટાઈ કરી લીધી

  • April 30, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાંની દુકાનમાંથી રૂપિયા 1.36 લાખની ચોરીમાં દુકાનમાં જ કામ કરતા કર્મચારી તથા મામા-ભાણેજને ઝડપી લઇ ક્રાઇમ બ્રાંચની ટીમે બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્રિપુટી પાસેથી રૂપિયા 31 હજારની રોકડ કબજે કરી હતી. મામા-ભાણેજે ચોરીનો પ્લાન બનાવ્યો હતો જ્યારે દુકાનના કર્મચારીએ તેમાં મદદગારી કરી ચોરીના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરી કર્યા બાદ ત્રણેયના ભાગે 31- 31 હજાર રૂપિયા આવ્યા હોવાની કબુલાત આપી હતી.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વિવેક બાબુભાઈ ભેડીયા દ્વારા ગત તારીખ 24 5 ના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેની સોરઠીયાવાડી સર્કલ બગીચા સામે ગેંગસ્ટર નામની કપડાની દુકાનમાં નોકરી કરે છે તા. 10/4 ના તેના મોટાભાઈએ અહીં દુકાનના કેસ કાઉન્ટરમાં 1.35 લાખ રાખ્યા હતા. તા. 12/4 ના હનુમાન જયંતીના દિવસે તે રાહદારીને ઠંડા પીણા પીવડાવવાનું આયોજન કર્યું હોય જેથી પવનપુત્ર ચોક ગયો હતો. થોડીવાર બાદ તે અહીં દુકાને આવતા કેસ કાઉન્ટરમાં તેના ભાઈએ રાખેલા 1.35 લાખ અને અન્ય રોકડ રૂપિયા 1800 મળી 1.36 લાખ રોકડની ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું.


સીસીટીવી ફૂટેજ ચકાસતા સિક્યુરિટી જેવો ડ્રેસ પહેરેલો શખસ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો તે સમયે અહીં દુકાનના કર્મચારી રણવીર ઉર્ફે રાણો સફાઈના બહાને દુકાનની બહાર નીકળી ગયો હતો જેથી તેના પર પણ શંકા ગઈ હતી. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ચોરીની આ ઘટનાને લઇ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.કે. મોબાઈલીયા તથા તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન એએસઆઇ સંજયભાઈ દાફડા, રણજીતભાઈ પઢારીયા અને હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ રામશીભાઈ કાળોતરાને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ રાણી ટાવર પાસે બંધ પેટ્રોલ પંપ નજીકથી રણવીર જીવરાજભાઈ પરમાર (ઉ.વ 19 રહે. ખોડીયારનગર શેરી નંબર 2, આંબેડકરનગર પાસે આજી વસાહત), કરણ વાલજીભાઈ સોલંકી (ઉ.વ 25 રહે. આંબેડકરનગર શેરી નંબર 3) અને કોહિનૂર દિનેશભાઈ જાદવ (ઉ.વ 19 રહે. હાલ સ્વસ્તિકવિલા સોસાયટી, મોરબી રોડ જકાતનાકા પાસે રાજકોટ) ને ઝડપી લઇ ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 31,000 ની રોકડ કબજે કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, દુકાનમાં કામ કરનાર રણવીર ઉર્ફે રાણો અને કોહીનુર બન્ને મિત્ર હોય કોહિનૂર અને તેના મામા કરણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને રણવીરે તેમાં મદદ કરવા માટે હા કહી હતી. બાદમાં કરણ અહીં દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ ચોરી કરી લીધી હતી તે સમયે કોહીનુર રોડ પર ફોનમાં વાત કરવાના બહાને રેકી કરી રહ્યો હતો. ચોરી બાદ ત્રણેય વચ્ચે રૂ.31 હજાર- 31 હજારની ભાગબટાઈ થઇ હતી.કડકાઇ દૂર કરવા અને મોજશોખ કરવા માટે ચોરી કર્યાની કબુલાત આપી હતી. રણવીર ઉર્ફે રાણાના પિતા હયાત નથી તે માતા સાથે રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application