રાવલના સોની વેપારીની દુકાનમાંથી દાગીનાની ચોરી

  • July 20, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દોઢ માસ પુર્વેનો બનાવ : અજાણી મહિલાની શોધખોળ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સોની કામની દુકાન ધરાવતા એક વેપારીની દુકાનમાં ૧૫ વર્ષની પુત્રી સાથે આવેલી અજાણી મહિલાએ ગ્રાહકનો સ્વાંગ રચી, આશરે રૂપિયા બે લાખ જેટલી કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાના આશરે દોઢેક માસ પૂર્વેના બનાવની ફરિયાદ ગઈકાલે બુધવારે કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ બનાવ અંગે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અશ્વિનભાઈ છોટાલાલ નાંઢા નામના ૪૪ વર્ષના સોની વેપારી યુવાને કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ રાવલ ગામની મેઈન બજારમાં આવેલી તેમની શ્રીજી જ્વેલર્સ નામની સોની કામની દુકાનમાં ગત તારીખ ૭ જૂનના રોજ સવારના સમયે આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરની અજાણી મહિલા પ્રવેશી હતી અને તેમની સાથે આશરે પંદરેક વર્ષની એક તેમની દીકરી પણ હતી.
આ મહિલાએ વિવિધ દાગીના જોવા માટે લીધા બાદ વેપારીની નજર ચૂકવીને આ દુકાનમાં રહેલી સોનાની બુટીની ૧૨ નંગ જોડીનું આખું સ્ટોક બોક્સ સેરવીને લઈ લીધું હતું. આમ, રૂપિયા ૧.૯૫ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે ગઈકાલે બુધવારે ધોરણસર ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application