લાલપુર ચોકડી પર રુા.૬૪.૯૧ કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું કામ શરુ

  • May 17, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦૦૦ મીટરની લંબાઇ, ૧૭ મીટરની પહોળાઇ અને ૭.૭૦ મીટરની ઉંચાઇવાળો ફલાય ઓવરબ્રિજ બનતા જીઆઇડીસી, રિલાયન્સ, જીએસએફસી, રાજકોટ રોડ જતાં વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થઇ જશે: પીજીવીસીએલની કામગીરી ટુંક સમયમાં શરુ

૨૦૨૩નું વર્ષ જામનગર મહાનગરપાલિકા માટે શુકનવંતુ સાબિત થઇ રહ્યું છે, અગાઉ પાસ થઇ ગયેલા પ્રોજેકટ હવે ધીરે-ધીરે શરુ થઇ રહ્યા છે,  આ અઠવાડીયાથી જ આ બ્રિજનું કામ શરુ થઇ ચૂકયું છે, હાલમાં સર્વિસ રોડનું કામ ચાલું છે અને ટુંક સમયમાં જ પીજીવીસીએલના નડતરરુપ ઇન્ફાસ્ટ્રકચરનું સીફટીંગ પણ શરુ થઇ જશે.
તા.૧૦ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કામનું ખાતમુર્હુત થયું હતું, ટેન્ડરીંગ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે, હવે ફકત માર્ગ અને મકાન વિભાગ પાસે સ્ટ્રકચર ડ્રોઇંગની મંજુરી લેવાની બાકી છે ત્યારે આ ફલાય ઓવરબ્રિજ બનતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો તેમાંથી મુશ્કેલી સાવ ઓછી થઇ જશે. આમ, જામનગરને ફરીથી એક નવલા નજરાણા સમાન ફલાય ઓવરબ્રિજ મળશે.
અગાઉ તે વખતના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી અને સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ ખુદ મુખ્યમંત્રીને રુબરુ રજૂઆત કરીને જામનગરના આ ફલાય ઓવરબ્રિજને મંજુરી આપવા સતત રજૂઆત કરી હતી, તેમની માંગણીને ઘ્યાનમાં રાખીને મુખ્યમંત્રી જામનગર આવ્યા ત્યારે પદાધિકારીઓએ કરેલી રજૂઆતને તરત જ સફળતા મળી હતી, આ કામ રણજીત ક્ધસ્ટ્રકશન-અમદાવાદ કરી રહ્યું છે.
લાલપુર બાયપાસ જંકશન પર ફોરલેન એલીવેટેડ ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ શરુ થયું છે ત્યારે રુા.૬૪.૯૧ કરોડના કામ માટે રણજીત ક્ધસ્ટ્રકશન અમદાવાદને આ કામ સોંપી દેવાયું છે, એટલું જ નહીં અમદાવાદની કસાડ ક્ધસલટન્ટસ પ્રા.લી.ને કામ અપાયું છે ત્યારે તા.૧૦-૧૦-૨૨ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કામનું ખાતમુર્હુત કર્યુ હતું, ક્ધસલટન્ટ દ્વારા સ્ટ્રકચર ડ્રોઇંગ તૈયાર કરીને માર્ગ અને મકાન વિભાગ ખાતાને મોકલી દેવાયું છે અને આ કામ હવે મંજુર થઇ ગયું છે.
જામનગરના વિકાસ કામોમાં વધુ એક નવું છોગુ ઉમેરાશે, લગભગ દોઢેક વર્ષમાં આ કામ પૂર્ણ થઇ જશે, આ રસ્તા ઉપર ટ્રાફિકની ખુબ જ સમસ્યા હતાં, જેથી આ કામ શરુ થઇ જતાં હવે રાહત અનુભવાશે. બે એજન્સીઓ દ્વારા આ કામના ટેન્ડરો ભરવામાં આવ્યા હતાં, આખરે હવે આ કામ નકકી થઇ જતાં જામનગરવાસીઓમાં પણ ખુશીની લહેર દોડી ગઇ છે.
**
ઓવરબ્રિજનું કામ શરુ થયું ત્યાં જ ફરીથી ‘પ્રસાદી’ માંગવાનું શરુ
જામનગરમાં કેટલાક વિકાસ કામોમાં કોર્પોરેટરો અને અન્ય વગદાર નેતાઓને થોડીઘણી પ્રસાદી આપવામાં આવે છે, લાલપુર બાયપાસ ચોકડી ઉપર રુા.૬૪.૯૧ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને તેના સર્વિસ રોડનું કામ શરુ થયું છે ત્યારે એક મોટા ગજાના નેતાએ કોન્ટ્રાકટરને પ્રસાદી આપવા દબાણ કરતા પ્રસાદીનું પ્રથમ પેકેટ અપાઇ ગયું છે, જો કે આ પ્રસાદ લાખો રુપિયામાં છે, બાકીના દિવસોમાં ધીરે-ધીરે નકકી થયેલી વાત મુજબ પ્રસાદના હપ્તા આપવામાં આવશે તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે, એટલે કે વિકાસના કામો શરુ થાય એટલે તરત જ કેટલાક ડાઘીયા લોકોની નજર માત્ર રુપિયા ઉપર જ હોય છે, ખરેખર તો આવા લોકોએ કોન્ટ્રાકટર ગુણવતાવાળુ કામ કરે તેના ઉપર નજર રાખવાની હોય છે પરંતુ ‘પ્રથમ પ્રસાદ ગુણવતા બાદમાં’ એ નવા શિર્ષક હેઠળ હાલ તો કામ શરુ થઇ ચૂકયું છે, આગામી દિવસોમાં આ કામ મજબુત થાય તેવી લોકો અપેક્ષા રાખે છે.
**
રાજકોટ, રિલાયન્સ, જીએસએફસી, ખંભાળીયા, દ્વારકા બાજુ જતાં વાહન ચાલકોને ફાયદો
લાલપુર બાયપાસ ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજ પૂર્ણ થઇ ગયા બાદ જીઆઇડીસી ફેસ-ટુ, ફેસ-થ્રી, ન્યારા એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીએસએફસી, રાજકોટ, ખંભાળીયા, દ્વારકા રોડ પર જતાં-આવતાં વાહનોને ફાયદો થશે અને અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થઇ જશે. જામનગરમાં બેડી રોડ, અંધાશ્રમ પાસે, દિગ્જામ સર્કલ પાસે એમ ત્રણ ફલાય ઓવરબ્રિજ બન્યા છે, ઉપરાંત સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો સુભાષબ્રિજથી સાતરસ્તા સુધીનો નવો ફલાય ઓવરબ્રિજ બની રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હાપા ખાતે પણ એક ફલાય ઓવરબ્રિજ બનશે, આમ જામનગર ધીરે-ધીરે વિકાસ પામતું જાય છે.
**
લાલપુર ચોકડીનો ફલાય ઓવરબ્રિજ આધુનિક બનશે
જામનગર મહાપાલિકા દ્વારા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગ શાખાના રાજીવ જાનીની ટીમ દ્વારા રુા.૬૪.૯૧ કરોડના ખર્ચે બનનારા આ ફલાય ઓવરબ્રિજની લંબાઇ ૧૦૦૦ મીટરની રહેશે, આ ઉપરાંત ૧૭ મીટર બ્રિજની પહોળાઇ રહેશે અને બ્રિજની ઉંચાઇ ૭.૭૦ મીટરનું નકકી થયું છે, બ્રિજની બંને બાજુ આકર્ષક સર્વિસ રોડ કરવામાં આવશે જેની પહોળાઇ ૭.૫૦ મીટરની રાખવા નકકી કરાયું છે.
**
ફલાય ઓવરબ્રિજના કામો ઝડપી થાય તે માટે સતત વોચની જરુર
જામનગરમાં હાલમાં ફલાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામોમાં વધુ ઝડપ આવે તે માટે પણ અધિકારીઓએ સતત જહેમત ઉઠાવી પડશે, હવે આ કામ શરુ થઇ જતાં ગુણવતાવાળુ અને ઝડપી બને તે માટે સતત વોચ રાખવી જોઇએ, રાજકોટ, અમદાવાદ અને સુરતમાં ઓવરબ્રિજનું કામ ઝડપી ચાલે છે તે માટે સતત પ્રયત્નો થાય છે તેમ જામનગરના વિકાસના કામોમાં પણ સતર્કતા દાખવવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application