BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની સોમવારે પૂરી થઇ રહેલી ટર્મ

  • March 14, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન ચૂંટાયેલા બોર્ડની મુદત આગામી તારીખ ૧૬ ના સોમવારે પૂરી થાય છે. મુદત પૂરી થવાની હોવાથી છેલ્લા થોડા દિવસોથી વર્તમાન શાસકો દ્રારા પેક અપની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી અને સોમવારે બપોર પછી વિધિવત રીતે જિલ્લા વિકાસ અધિકારીને બંગલો– ગાડી સોપી દેવામાં આવશે.
૩૬ કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન જૂના બિલ્ડીંગના સ્થાને નવું અધ્યતન બિલ્ડીંગ બાંધવાનો મહત્વનો પ્રોજેકટ આ ટર્મ દરમિયાન મંજૂર થયો છે અને બાંધકામ પણ ચાલુ થઈ ગયું છે. તે આ બોડી માટે યાદગાર ઘટના રહેશે. યારે સ્થળાંતરના નામે ૬૯ લાખનો કરવામાં આવેલો ખર્ચ અને તેની સામે થયેલા ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કાળી ટીલી સમાન બની રહેશે.
રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મમાં રાજકીય ઉથલપાથલો પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. જિલ્લા પંચાયતની કુલ ૩૬ માંથી ૨૫ બેઠક ભાજપને અને ૧૧ બેઠક કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં મળી હતી. સભ્યોના અવસાનના કારણે ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય થયો હતો. પરંતુ એપ્રિલ ૨૦૨૩ માં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા  અને કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ ખાટરીયા છ સભ્યો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશી જતા રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યા બળ ૩૦ થઈ ગયું હતું.
નવી ટર્મમાં તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧ ના રોજ ભુપતભાઈ બોદર પ્રમુખ બન્યા હતા અને અઢી વર્ષના શાસન પછી આ જવાબદારી તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રવિણાબેન રંગાણીએ સંભાળી હતી. પંચાયતોમાં યારે મહિલા પ્રમુખ હોય છે ત્યારે મોટાભાગે તેનું સંચાલન તેમના પરિવારના પુષ સભ્યમાંથી કોઈ સંભાળતા હોય છે પરંતુ પ્રવિણાબેન રંગાણીએ સ્વતત્રં રીતે કામગીરી કરી હતી. પાંચ વર્ષના આ સમયગાળા દરમિયાન જિલ્લા પંચાયતમાં ચાર જિલ્લા વિકાસ અધિકારીઓ આવી ચૂકયા છે. ભાજપે સત્તા સંભાળી ત્યારે અનિલ રાણાવસીયા ડીડીઓ હતા. ત્યારબાદ દેવ ચૌધરી, નવનાથ ગવહાણે અને અત્યારે અનંદુ સુરેશ ગોવિંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ટર્મ પૂરી થવા આડે હવે ૪૮ કલાક પણ બાકી નથી રહ્યા છતાં હજુ વહીવટદાર તરીકે કોને મૂકવામાં આવશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભૂતકાળમાં વહીવટદાર તરીકે સુધીરભાઈ માકડ, એ.કે. લુક, પ્રવીણભાઈ ત્રિવેદી જેવા અધિકારીઓ ચાર્જ સંભાળી ચૂકયા છે પરંતુ હવે નવા વહીવટદાર તરીકે કોન આવે છે તે જોવાનું રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application