BREAKING NEWS

T-20 વર્લ્ડકપ રોમાંચક તબક્કામાં: સુપર-8 ટીમોનો આજથી મહામુકાબલો, જાણો ભારત કઈ ટીમો સાથે ટકરાશે

  • February 21, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈસીસી ટી20 વર્લ્ડકપ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. ક્વાર્ટર ફાયનલ પૂર્ણ થયા બાદ હવે સુપર-૮ તબક્કાની શરૂઆત આજે ૨૧ ફેબ્રુઆરીથી થઈ રહી છે. આ તબક્કામાં કુલ આઠ ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને અહીંથી જ સેમિફાઇનલનો રસ્તો ખુલશે.ટૂર્નામેન્ટની શરૂઆતમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ ગ્રુપ ચરણ પછી માત્ર આઠ ટીમો જ આગળ વધવામાં સફળ રહી છે. આ આઠ ટીમોને બે જુદા જૂથમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાનાં જૂથની બાકી ત્રણ ટીમો સામે એક-એક મુકાબલો રમશે. જૂથમાં અગ્રસ્થાને રહેનારી બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.સુપર-૮માં પ્રથમ જૂથમાં ભારત, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. જ્યારે બીજા જૂથમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ છે. બંને જૂથોમાં એકબીજાને હરાવવા જબરી સ્પર્ધા જોવા મળશે કારણ કે દરેક ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તમામ તાકાત લગાવશે.


કાલે ભારત દક્ષિણ આફ્રિકાને ભરી પીવા મેદાને ઉતરશે

ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો ૨૨ ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં રમાશે. ત્યારબાદ ૨૬ ફેબ્રુઆરીએ ભારત ઝિમ્બાબ્વે સામે ચેન્નાઈમાં ટકરાશે. સુપર-૮માં ભારતનો છેલ્લો મુકાબલો ૧ માર્ચે વેસ્ટ ઇન્ડીઝ સામે કોલકાતામાં યોજાશે. ત્રણેય મુકાબલા ભારતીય સમય મુજબ સાંજે રમાશે અને દેશભરના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે જંગ

બીજા જૂથમાં પણ ભારે રસપ્રદ મુકાબલા નિર્ધારિત છે. ૨૧ ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ૨૨ ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા આમને-સામને આવશે. ૨૪ ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર રહેશે, જ્યારે ૨૮ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. આ તમામ મેચો સુપર-૮ના ગણિતને અસર કરશે.


આગામી નવ દિવસમાં એક ડઝન મેચ

સુપર-૮ તબક્કો ૧ માર્ચે પૂર્ણ થશે. ત્યારબાદ ૪ અને ૫ માર્ચે સેમિફાઇનલ મુકાબલા યોજાશે. બંને સેમિફાઇનલ જીતનારી ટીમો ૮ માર્ચે ખિતાબ માટે અંતિમ મુકાબલો રમશે.હવે ટૂર્નામેન્ટનો દરેક મુકાબલો અતિ મહત્વનો બની ગયો છે. એક પણ હાર ટીમને બહારનો રસ્તો બતાવી શકે છે. ક્રિકેટપ્રેમીઓ માટે આવનારા દિવસો ભારે રોમાંચ અને ઉત્સાહથી ભરેલા રહેશે.


ગ્રુપ- 1

ભારત

દક્ષિણ આફ્રિકા

વેસ્ટ ઇન્ડીઝ

ઝિમ્બાબ્વે


ગ્રુપ-2

પાકિસ્તાન

શ્રીલંકા

ઇંગ્લેન્ડ

ન્યુઝીલેન્ડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application