150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, નક્સલીઓનો સરસેનાપતિ, એમટેક પાસ નક્સલી બસવરાજુની કહાની

  • May 22, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ આજે મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરામાં 70 કલાક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં નક્સલીઓનો મોટો ભેજાબાજ ‘નંબાલા કેશવ રાવ’ નામની જાણીતા ‘બસવરાજૂ’ ઠાર થયો છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અનેક ઓપરેશનો પાર પાડ્યા હતા, જોકે આ એક સૌથી મહત્ત્વનું એન્કાઉન્ટર હોવાનું કહેવાય છે. એમ.ટેક. ડિગ્રી ધરાવતો બસવરાજૂ નક્સલીઓનો સૌથી મહત્ત્વનો કમાન્ડર અને સૌથી મોટો માસ્ટર માઈન્ડ છે, તેના મોતથી નક્સલરાજના જળમૂળ પર મોટો પ્રહાર થયો છે.


ઓપરેશન દરમિયાન મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એક સુરક્ષાકર્મી શહીદ થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. જેમની સ્થિતિ હાલ સામાન્ય છે. અબુઝમાડના જાટલૂર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એકે-47, ઈન્સાસ રાઈફલ્સ, અન્ય ઓટોમેટિક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. બસવ રાજ પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ હતું. બસવરાજૂ નક્સલરાજનો સર્વેસર્વા હોવાનું કહેવાતું હતું, જોકે સુરક્ષા દળોએ તેને ઠાર કરીને નક્સલરાજ પર મોટો પ્રહાર કર્યો છે.


બસવરાજૂ નક્સલી હિંસાનો માસ્ટરમાઈન્ડ

સુરક્ષા દળોના જવાનોએ તેને ઠાર કરીને નક્સલી કમાન્ડના મહત્ત્વના માળખા પર પ્રહાર કર્યો છે. બસવરાજૂના મોતથી નક્સલીઓનું સંપૂર્ણ સંચાલન પડી ભાંગવાની પુરેપુરી શક્યતા છે, કારણ કે તેની આગેવાની હેઠળ જ હુમલાના અનેક ઓપરેશનોને અંજામ અપાતા હતા. બસવરાજૂ ભારતના ઈતિહાસમાં કેટલાક મોટા નક્સલી હુમલાના પાછળનો માસ્ટમાઈન્ડ હતો.


સીઆરપીએફના 76 જવાનોનો હત્યારો

વર્ષ 2003માં અલીપીરીમાં બોંબ હુમલો થયો હતો, જેમાં તેની જ મુખ્યભૂમિકા હતી. તેણે આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે વર્ષ 2010માં દંતેવાડામાં ભયાનક હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફના 76 જવાનો શહીદ થયા હતા. ભારતમાં નક્સલ વિરોધી ઈતિહાસમાં આ સૌથી ઘાયલ હુમલો હતો.


બસવરાજૂ વરિષ્ઠ માઓવાદીથી પણ ઉપર હતો

બસવરાજૂ વરિષ્ઠ માઓવાદીથી પણ વધુ ઊંચા સ્થાને હોવાનું કહેવાતું હતું. તે સીપીઆઈ (માઓવાદી)ના સુપ્રીમ કમાન્ડર અને આંદોલનનો મુખ્ય રણનીતિકાર હતો. વર્ષ 2018માં નક્સલવાદી સંસ્થાપક ગણપતિએ રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ તેને જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે અનેક હિંસક હુમલાઓને અંજામ આપ્યા અને લાંબાગાળા સુધી બળવાખોરી નીતિનું સંચાલન પણ કર્યું.


બસવરાજુના કાર્યકાળ દરમિયાન મોટા નક્સલી હુમલા

2003 : અલીપિરી બોમ્બ વિસ્ફોટ - આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની હત્યાનો પ્રયાસ.

2010 : દાંતેવાડા હત્યાકાંડ - આ હુમલામાં 76 સીઆરપીએફ જવાનો માર્યા ગયા હતા.

2013 : ઝીરામ ઘાટી હુમલો - આ હુમલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત 27 લોકોના મોત માર્યા ગયા હતા.

2019 : શ્યામગીરી હુમલો - ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા.

2020 : મિંપા પર હુમલો - સુકમા સ્થિત નક્સલી હુમલામાં 17 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા.

2021 : ટેકલગુડેમ હુમલો - બીજાપુરમાં તે વર્ષનો સૌથી મોટો નક્સલી હુમલો, જેમાં 22 જવાનો શહીદ થયા હતા.


વિદ્યાર્થીકાળ વખતે ડાબેરી આંદોલનમાં સામેલ

રાજૂ વારંગલ મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાનો રહેવાસી હતો, તે વિદ્યાર્થી જીવન દરમિયાન ઉગ્રવાદી ડાબેરી આંદોલનમાં સામેલ થયો હતો. પછી તે લશ્કરી વ્યૂહરચનાકારથી લઈને સીપીઆઈ (માઓવાદી)ના મહાસચિવ પદ પર પહોંચી ગયો. અનેક હિંસક હુમલાઓમાં સામેલ હોવાથી તે એનઆઈએ, તેલંગણા, આંધ્રપ્રદેશ પોલીસની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો.


એમ.ટેક. ડિગ્રી ધરાવતા બસવરાજૂમાં અનેક કુશળતા

એમ.ટેક. ડિગ્રી ધરાવતો એન્જિનિયર બસવરાજૂએ પોતાની ટેકનિકલ કુશળતાનો સૈન્ય અભિયાનમાં ઉપયોગ કર્યો. સીઆરપીએના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, તે ગેરિલા યુદ્ધ, આઈઈડીનો ઉપયોગ કરવામાં અને નક્સલી કેડરને તાલીમ આપવામાં કુશળતા ધરાવતો હતો. તેનામાં રણનીતિક કુશળતા, યુદ્ધના મેદાનનો અનુભવ હોવાથી સીપીઆઈ (માઓવાદી) માટે તે ખૂબ જ મહત્ત્વનો બની ગયો હતો. બસવરાજૂમાં નક્સલીઓને ટ્રેનિંગ, હિંસક હુમલાની વ્યૂહરચના સહિતની અને કુશળતા હોવાથી નક્સલી બળવાખોરોને તેના મોતથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે તેના માથે 1.5 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આમ જોવા જઈએ તો બસવરાજૂ નક્સલરાજનું મોટું માથું હતો. સુરક્ષા દળોએ તેને ઠાર કરી નક્સલીઓના સંચાલન અને વિચારસણી ઉપર મોટો પ્રહાર કર્યો છે. તેનો ખાતમો થતા અન્ય ટોચના માઓવાદીઓમાં પણ ફફડાટ ઉભો થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application