સિવિલ-ઝનાનાની ખોરંભે ચડેલી નર્સિંગ સિસ્ટમ સુધરશે: બે નર્સિંગ સુપ્રિ.ની નિમણુંક

  • April 18, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ વગર રેઢી પડેલી નર્સિંગ સિસ્ટમને જે-તે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટએ પોતાના ઘરના નિયમો થોપી બેસાડવાની સાથે સાથે કેટલાક નર્સિંગ કર્મચારીઓ માય લાઈફ માય રૂલ્સથી પોતાની ફરજ બજાવતા આખી સિસ્ટમ કેટલાય સમયથી વેરવિખેર થઇ છે. જેની અસર દર્દીઓની સારવારમાં ઉપરાંત ઓફિસ વર્ક સહિતના નર્સિંગને લગત અન્ય કામમાં પણ જોવા મળી રહી છે. જો કે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા ભરવા માટે જીપીએસસી પાસ કરેલા 19 ઉમેદવારો પૈકી 16ને નિમણુંક આપી છે. આથી રાજકોટ સિવિલ હોસ્પિટલને ત્રણ વર્ષ બાદ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ મળતા પાટેથી ઉતરેલી સિસ્ટમ ફરી પાટે ચડવાની શક્યતા જણાઈ રહી છે. આ ઉપરાંત એમસીએચ (ઝનાના) બ્લોકમાં પણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ પર નિમણુંક આપવામાં આવી છે. સરકાર દ્વારા નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ (ક્લાસ-2)ની જે 16 જગ્યા ભરવામાં આવી છે તેમાં રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સિદ્ધપુર પાટણના પ્રકાશ બાબુભાઇ પ્રજાપતિ અને સિવિલમાં જ ફરજ બજાવતા નીરવ મનોરદાસ દુધરેજીયાની નિમણુંક કરવામાં આવી છે.


હાલ સિવિલ અને એમસીએચ બ્લોકમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, પીડીયુના નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કોણ મુકાશે ? અને એમસીએચમાં કોણ જશે ?કારણ કે, પાવર સપ્લાય કરતા પીજીવીસીએલના સબ ડિવિઝન ઘણા બધા હોય છે પરંતુ મેઈન સપ્લાય કંટ્રોલ વડી કચેરીના જ હાથમાં હોય છે એમ અત્યાર સુધી પીડીયુને જ મુખ્ય કચેરી માનવામાં આવી રહી છે. સમયાંતરે એમસીએચ બિલ્ડીંગ અલગ બનતા ત્યાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આથી વોલ્ટ પીડીયુનો જ વધુ માનવામાં આવી રહ્યો છે. નર્સિંગ કર્મચારીઓની ચર્ચા મુજબ નીરવ દુધરેજીયા નર્સિંગ સ્ટાફ તરીકે સિવિલમાં જ ફરજ બજાવતા હોવાથી તેમની જો પીડીયુના નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે પ્રાયોરિટી આપવામાં આવે તો ક્યાંકને ક્યાંક જુના જોગીઓની ભલામણો અને સાથી કર્મચારીઓની આંખની શરમ રાખી ફરજ સોંપણીથી લઈ વોર્ડ કામગીરી અને રજા સહિતની બાબતોમાં વ્હાલા દવલાની નીતિ થઇ શકે છે. જયારે પાટણના પ્રકાશ પ્રજાપતિને પીડીયુના નર્સિંગ સુપ્રિ. તરીકે બેસાડવામાં આવે તો સંભવિત પણે સ્થાનિક ભલામણો અને કેટલીક બાબતોથી દૂર રહી તટસ્થ રીતે કામગીરી કરી શકે છે. જયારે માર્ક્સની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો પ્રકાશ પ્રજાપતિ નીરવ દુધરેજીયા કરતા વધુ ધરાવે છે. જો આવું થશે તો પીડીયુ અને ઝનાનાની ખોરવાયેલી નર્સિંગ સિસ્ટમ સુદ્રઢ રીતે ચાલી શકશે અન્યથા રોજ છેક ગાંધીનગર સુધી ફરિયાદોનો મારો ચાલશે તેમાં પણ બે મત નથી. ત્યારે આરોગ્ય વિભાગ ક્યાં બેઝ પર કોને પીડીયું અને કોને ઝનાનામાં નિમણુંક આપે છે એ જોવું રહ્યું.


પરિક્ષા વર્ષ-2021-22માં લેવાઈ, રિઝલ્ટ 24માં જાહેર, પોસ્ટિંગ 25માં આપ્યું

જીપીએસસી દ્વારા નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ ક્લાસ-2 માટેની જગ્યા પર સીધી ભરતી માટેની પરિક્ષા વર્ષ-2021-22માં લેવામાં આવી હતી જેનું રિઝલ્ટ વર્ષ-2024ના એન્ડમાં જાહેર થયું હતું અને જેમાં જેમાં 16 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. મહિનાઓ સુધી વેરિફિકેશન સહિતની કામગીરી ચાલતા અંતે ગત તા.15ના રોજ પોસ્ટિંગ આપવામાં આવી છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ ટ્રોમા સેન્ટર, ભાવનગર સિવિલમાં ત્રણ , સુરત ન્યુ સિવિલમાં ત્રણ, પીડીયુ રાજકોટ અને એમસીએચ, એસએસજી હોસ્પિટલ વડોદરામાં ત્રણ, જી.જી. હોસ્પિટલ જામનગરમાં બે જગ્યાનો સમાવેશ થાય છે.


નિયમ ઘરના નહીં સરકારના રાખજો

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીના સુપ્રિન્ટેન્ડેન્ટએ પરિસ્થિતિ મુજબ તો કોઈએ પોતાને અનુકૂળ તો કોઈએ સિસ્ટમને સંભાળવા માટેના નોખા અનોખા ડ્યુટી, સમય સહિતની બાબતોમાં નિયમો પોતાની રીતે બનાવ્યા હતા. રાજકોટ સિવિલમાં જુદા અને અન્ય સિવિલ હોસ્પિટલોમાં પણ નિયમો અલગ હોવાનું આજસુધી જોવા મળી રહ્યું છે. એવામાં હાલના ઇન્ચાર્જ સુપ્રિ.નિવૃત્તિનો મહિનો આડે છે અને લાંબી રજા ઉપર પણ ઉતરી ગયા છે. ઇન્ચાર્જ સુપ્રિ. કોટકબેનના વલણ અને વાણી વર્તનથી મોટાભાગનો સ્ટાફ પણ નારાજ હતો. ત્યારે નવા બંને સુપ્રિન્ટેન્ડેન્ટ ચાર્જ સંભાળ્યા બાદ ઘરના કે સ્ટાફને અનુકૂળ નિયમો નહીં પરંતુ સરકારી નિયમો ચલાવવામાં આવે એ વધુ જરૂરી છે.


આઈસીએનની જગ્યાનું ગૂંચવાયેલુ કોકડું ઉકેલાયું: નવા ઓર્ડર થયા

નિયમ મુજબ 150થી 200 બેડએ એક આઈસીએન હોવા ફરજીયાત છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ અને ઝનાનામાં 1650 બેડ વચ્ચે માત્ર ત્રણ આઈસીએન કામગીરી કરી રહ્યા હતા. આ અંગે આજકાલ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા આઈસીએનની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી અને ત્રણ ઉપરાંત વધારાના ચાર સિનિયર નર્સીંગ કર્મચારીઓને આઈસીએન તરીકે નિમણુંક આપી પીડીયું અને ઝનાના વચ્ચે સાત આઈસીએનનું મહેકમ ભરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સિનિયર કમર્ચારીને આ કામ કરવું ન હોવાથી રજા ઉપર પણ ઉતરી ગયા હતા અને કેટલાક એ પોતાને આ ના આવડે કહી નનૈયો ભણી દીધો હતો જેના કારણે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કોની નિમણુંક કરવી એટલી અવઢવ આરોગ્ય વિભાગને રહી નહતી એટલી અવઢવ આઈસીએનની નિમણૂકને લઈને થઇ હતી. બાદમાં જે તે ફરજ પરના આઈસીએનએ સ્વેચ્છાએ જ રાજીનામુ ધરી દીધું હતું અને અંતે કોકડું ઉકેલાય જતા ગઈકાલે જ ગાયનેક, પીડિયાટ્રિક, ઓપીડી, પ્રિઝનર, સાઈકેટ્રીક વિભાગ માટે આઈસીએનની નિમણુંક કરતો ઓર્ડર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application