આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને રોબોટ્સના કારણે લોકોની નોકરીઓ જોખમમાં હોવાની ચર્ચાઓ જગતભરમાં ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાની એક રોબોટિક્સ સ્ટાર્ટઅપ કંપની 'ફિગર એઆઈ' એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંપનીના સીઈઓ બ્રેટ એડકોકે સોશિયલ મીડિયા પર એક ગ્રાફ શેર કરીને જણાવ્યું છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમની કંપનીમાં માણસો કરતાં રોબોટ કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે.
કંપની દ્વારા શેર કરાયેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ની શરૂઆત સુધી કંપનીમાં રોબોટ્સની સંખ્યા નહિવત (શૂન્ય જેવી) હતી. પરંતુ ત્યારબાદ રોબોટ્સની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો થયો છે. વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં કંપનીમાં ૧૦૦થી વધુ રોબોટ્સ હતા, જે વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટર (બીજા ત્રણ મહિના) સુધીમાં વધીને આશરે ૭૪૦ થઈ જશે. કંપનીના સીઈઓએ ફેક્ટરીમાં લાઈનબદ્ધ ગોઠવાયેલા હ્યુમનોઇડ (માણસ જેવા દેખાતા) રોબોટ્સનો ફોટો શેર કરીને લખ્યું હતું -પાવર ઓન.
જોકે, કંપનીમાં કામ કરતા માણસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨ માં શૂન્યથી શરૂ કરીને ૨૦૨૫ના અંત સુધીમાં માનવ કર્મચારીઓની સંખ્યા ૪૦૦એ પહોંચી હતી, જે ૨૦૨૬માં વધીને આશરે ૬૫૦થી ૬૬૦ સુધી પહોંચી શકે છે. પરંતુ માણસોની સરખામણીએ રોબોટ્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને ગ્રાફ જોતા એવું લાગે છે કે રોબોટ્સ લાવવાની આ ગતિ આગામી સમયમાં અટકવાની નથી.
બીજી તરફ, એમેઝોન અને મેટા જેવી દુનિયાની મોટી ટેક કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધુ ધ્યાન આપી રહી છે, જેના કારણે તેમણે હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. નોકરીઓ પર નજર રાખતી વેબસાઇટ 'લેઓફ'ના રિપોર્ટ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં દુનિયાભરની ટેક કંપનીઓમાંથી અંદાજે ૧,૧૯,૦૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
તાજેતરમાં જ 'ફિગર એઆઈ' કંપનીએ તેમના સૌથી આધુનિક 'ફિગર ૦૩' રોબોટ અને કંપનીના એક ઇન્ટર્ન (માનવ કર્મચારી) વચ્ચે એક રસપ્રદ હરીફાઈ યોજી હતી. આ સ્પર્ધામાં બંનેને આઠ કલાક સુધી સામાનના પેકેટો ગોઠવવાનું કામ આપવામાં આવ્યું હતું. આ રેસમાં માણસે રોબોટને હરાવી દીધો હતો. જોકે, કંપનીના સીઈઓ બ્રેટ એડકોકે આ પરિણામ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રોબોટ્સ સામે માણસોની આ છેલ્લી જીત હશે, એટલે કે ભવિષ્યમાં રોબોટ્સ માણસો કરતા પણ વધુ ઝડપી બની જશે.