નીટ–યુજીની પુન:પરીક્ષા ગઈકાલે યોજાઈ હતી. ૨૦ લાખથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ રવિવારે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોને નકલી ગણાવીને ફગાવી દીધો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)–અંડરગ્રેયુએટ (યુજી) ૨૦૨૬ નું પેપર લીક થયું છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર દાવો કર્યેા હતો કે રી–નીટની પરીક્ષા પુસ્તિકામાં કુલ ૩૩ પાના છે અને આ વખતે પરીક્ષાનો સમય ૩ કલાક અને ૧૫ મિનિટ રાખવામાં આવ્યો છે. આ પોસ્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે રી–નીટમાં પહેલીવાર ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. આ તર્કને આધાર બનાવીને યુઝરે રાષ્ટ્ર્રીય પરીક્ષા એજન્સીસામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે શું રી–નીટનું પેપર પણ લીક થઈ ગયું છે?સમગ્ર વિવાદ વચ્ચે એનટીએએ દેશભરના વિધાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી છે કે પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રશ્નપત્રોની સુરક્ષા માટે અત્યતં કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈપણ અનધિકૃત વ્યકિત પરીક્ષા સામગ્રી સુધી પહોંચી શકે તે અશકય છે. એનટીએએ તમામ પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વહેતી થતી આવી કોઈ પણ અપ્રમાણિત માહિતી કે અફવાઓ પર ભરોસો ન કરે અને માત્ર સત્તાવાર વેબસાઇટ પર જાહેર થતી નોટિફિકેશનને જ સાચી માને.એજન્સીએ જણાવ્યું હતું કે વિધાર્થીઓને છેતરવા અથવા ભય પેદા કરવા માટે આવી ભ્રામક માહિતી બનાવવી અને ઇરાદાપૂર્વક ફેલાવવી એ ગંભીર ગુનો છે. એનટીએ, આઈ૪સી અને કાયદા અમલીકરણ એજન્સીઓની મદદથી, આ સામગ્રી લોન્ચ કરવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. એનટીએ એ વિધાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને પણ અપીલ કરી છે કે તેઓ માહિતી માટે ફકત સત્તાવાર વેબસાઇટ અને એજન્સીના ચકાસાયેલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આધાર રાખે અને આવી સામગ્રી ફોરવર્ડ ન કરે.રવિવારે નીટ પુન:પરીક્ષામાં ૨૦ લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. અગાઉ, પેપર લીકને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેપર લીક બાદ ટીકાનો સામનો કરી રહેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ના ડાયરેકટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે 'સંપૂર્ણ સરકાર' અભિગમથી આ વિશાળ કાર્ય રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં મદદ મળી.