ખંભાળિયા: આવતીકાલથી આદ્યશક્તિની ઉપાસનાનો મહાપર્વ

  • October 02, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવ દિવસ માઈ ભક્તો કરશે માતાજીની સ્તુતિ: નવરાત્રી પર્વે ઉજવણી સંદર્ભે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા


આવતીકાલે ગુરૂવારથી આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતાજીના ભક્તો દ્વારા પૂજન, અર્ચન, સ્તુતિ તેમજ ગરબા દ્વારા ભક્તિ કરવામાં આવશે.


દ્વારકા જિલ્લાના તમામ મુખ્ય શહેરોમાં નવરાત્રિના દિવસોમાં ગરબીના પારંપરિક આયોજન કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, મહિલાઓ દ્વારા પોતાના ઘરોમાં ગરબાનું સ્થાપન કરી અને દરરોજ નિયત સમયે પૂજા, ભોગ સાથે આરાધના કરવામાં આવશે. દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા હર્ષદ (ગાંધવી) સ્થિત કોયલા ડુંગર પર બિરાજમાન શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે પણ નવરાત્રી પર્વમાં દરરોજ સવારે તથા સાંજે મહાઆરતીના આયોજનો વચ્ચે મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન માટે આવશે.


ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા જોગવડ ગામે પ્રાચીન એવા શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે પણ ખાસ કરીને સાયં આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. આ ઉપરાંત ખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા પ્રાચીન એવા શ્રી આશાપુરા માતાજીના મંદિર, ઘુમલીમાં આશાપુરા માતાજી, સામુદ્રી માતાજી અને ગાયત્રી માતાજી મંદિર, કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામના સુપ્રસિદ્ધ મંદિર સાથે ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વારાહી માતાજી, ગાયત્રી માતાજી, સિકોતેર માતાજી, સુરજબા માતાજી (હરીપર), બહુચર માતાજી (વિજય ચોક), વિગેરે સ્થળે નવરાત્રી પર્વે ગરબાના ખાસ આયોજન કરવામાં આવ્યા છે. સાથે સાથે જુદા જુદા ગરબા મંડળો દ્વારા બાળાઓની પરંપરાગત નવરાત્રીના પણ આયોજનો થયા છે.


નવરાત્રી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારથી શરૂ થતા નવરાત્રીના તહેવારોમાં લોકો મોડે સુધી નિર્વિઘ્ને શક્તિના આ પર્વને માણી શકે તેમજ ગરબી અને વિવિધ ધાર્મિક આયોજનોમાં જોડાઈ શકે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ તેમની ટીમ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ સંદર્ભે વિગતો આપતા ઇન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે નવરાત્રીના તહેવારોમાં જિલ્લામાં કુલ 214 શેરી ગરબીઓ, 71 જાહેર ગરબા મંડળો તેમજ બે ખાનગી ગરબીઓનું આયોજન થયું છે. ગરબીના તમામ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સરકારના નિયમ મુજબ લોકો શાંતિપૂર્વક રીતે આ આયોજનોમાં ભાગ લઈ શકે અને ગરબાનો આનંદ માણી શકે તે માટે જિલ્લામાં બે ડીવાયએસપી, 8 પીઆઈ, 16 પીએસઆઇ તથા 200 પોલીસ જમાદારો, એએસઆઈ, કોન્સ્ટેબલ તથા 400 હોમગાર્ડસ અને જી.આર.ડી.ના જવાનો મળી કુલ 600 થી વધુ પોલીસ અધિકારીઓ, સ્ટાફ દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં સમયાંતરે શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી હતી. જુદા-જુદા વિસ્તારમાં કાર્યરત નેત્રમ (સી.સી. ટી.વી.) તેમજ બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ કર્મીઓ, સાદા ડ્રેસમાં મહિલા પોલીસ તથા પુરુષ પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. મહિલાઓ, બાળાઓ ગરબીમાંથી છૂટીને ઘરે ન જાય ત્યાં સુધી પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ તેમજ જુદા જુદા ચેકિંગ પોઈન્ટ પર પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનું "નેત્રમ" દ્વારા કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ કરવામાં આવશે. આ માટે જુદા-જુદા સ્થળે અલગ-અલગ જવાબદાર અધિકારીઓની નિયુક્તિ પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application