૫ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ: જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર જિલ્લા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી સરકારી જમીન પરનો કબજો પરત મેળવ્યો
બેડીમાં ગઇકાલે સવારથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો કરી લેવામાં આવ્યો હતો અને રૂ. ૧૦ કરોડની કિંમતની આશરે ૫ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી, ગઇકાલે થયેલા ડીમોલીશનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, એટલું જ નહીં જિલ્લા કલેકટર કેતન ઠકકર, એસ.પી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને માર્ગદર્શન આપ્યું હતું અને સાંજ સુધીમાં આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.
બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર મકાનો તથા અન્ય બાંધકામો કરી સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવેલ હતું. જે જમીનની અંદાજીત બજાર કિંમત રૂ.૧૦ કરોડ જેટલી થાય છે.જે તમામ જમીન પરના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકાના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો તથા સરકારી જમીન પર અનઅધિકૃત દબાણો કરાયા હતા તે જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરી દૂર કરવામાં આવ્યા છે તેમજ ૫૩,૮૦૦ ચો.ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ છે.તેમજ આ ખુલ્લી કરાયેલ જમીનની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦ કરોડ જેટલી થાય છે.આ તમામ દબાણો દૂર કરી ખુલ્લી કરવામાં આવેલ આ જમીનનો સરકાર પક્ષે પૂન: કબજો મેળવવામાં આવેલ છે.
અનધિકૃત દબાણો દૂર કરવાની આ કામગીરીમાં જિલ્લા કલેકટર સાથે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આર.બી.દેવધા સહિત સંલગ્ન વિભાગોના કર્મચારીઓ તથા પોલીસ જવાનો જોડાયા હતાં.