ભાગીદારીમાં ખરીદેલી કાર વેચી પૈસા પરત નહી આપી મિત્રએ યુવાન સાથે આચરી છેતરપિંડી

  • March 11, 2024 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા યુવાન સાથે મિત્રએ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રસાલા કેમ્પમાં રહેતા યુવાન સાથે ભાગીદારીમાં ખરીદેલી બીએમડબ્લ્યુ કાર શખ્સે પોતાના નામે કરાવી લઈ વેચી દીધા બાદ મિત્રના પૈસા પરત નહી કરાતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો.


 આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ગંગાજળિયા પોલીસ મથક ખાતે મનોજભાઈ જયકુમાર નવલાણી (ઉ.વ.૨૭,રહે.રસાલા કેમ્પમાં લાઈન નં.૬, રૂમ નં. ૭૦૨, ઉપરકોટ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર ચિરાગ છડીદાર ગત તા.૨૧- ૧૨-૨૦૨૨ના રોજ ઓએલએક્સ પર બીએમડબ્લ્યુ કાર નં. જીજે.૦૧. કેએલ. ૧૧૧૪ના વેચવા માટે ફોટા મુકવામાં આવ્યા હતા. આ કારને ભાગીદારીમાં ખરીદવા માટે જણાવ્યા બાદ કાર માલિક કેયુરજી નરેશજી ભટ્ટી (રહે, સિહોર)નો મોબાઈલ ફોન પર સંપર્ક કરી પ્રથમ મિટીંગ આનંદનગર બસ સ્ટેન્ડ પાસે કરવામાં આવી હતી. અહીં બન્ને મિત્રને કાર ગમી જતાં રૂા.૬.૯૦ લાખમાં સોદો નક્કી થયો હતો. ત્યારબાદ ગત તા.૨૩-૧૨ના રોજ મનોજભાઈ નવલાણી તેના પોસ્ટ ખાતામાંથી એફ.ડી. તોડાવી સાડા ચાર લાખ રૂપિયા ઉપાડી તેમજ બાકીના ૨,૪૦,૦૦૦ રૂપિયા ચિરાગ છડીદારે આપી બન્ને મિત્રોએ કારના માલિકને શહેરના ક્રેસંટ સર્કલ પાસે કનકાઈ ચા વાળાની સામે બોલાવી રૂપિયા આપ્યા હતા. આ કાર આરટીઓમાં મનોજભાઈના નામે પણ કરવાનું નક્કી થયું હતું. પરંતુ ચિરાગ છડીદારે તેને આરટીઓ એજન્સ સાથે ઓળખાણ હોવાનો ઢોંગ કરી કાગળો અને જરૂરી દસ્તાવેજો લઈ બીએમડબ્લ્યુ કાર તેના નામે કરાવી લઈ બારોબાર બીજી પાર્ટીને વેચી દીધી હતી. જે અંગેની જાણ થતાં મનોજભાઈએ છેલ્લા એક વર્ષ દરમિયાન તેના મિત્ર ચિરાગ પાસે પોતે આપેલી રૂા. ૪,૫૦,૦૦૦ની રકમ પરત કરવા અવાર-નવાર ઉઘરાણી કરી બેઠકો પણ કરી હતી. પણ શખ્સે ખોટા વાયદો આપી માત્ર ૫૦ હજાર પરત કર્યા હતા. અને બાકીના ચાર લાખ રૂપિયા ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી યુવાને તેના મિત્ર ચિરાગ શંકરભાઈ છડીદાર સામે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૯, ૪૨૦ મુજબ ગુનો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application