અમદાવાદમાં બનેલો ધ્વજસ્તંભ અયોધ્યા રામમંદિરમાં સ્થપાયો, દોઢ કલાકમાં ક્રેનની મદદથી લગાવવામાં આવ્યો

  • April 29, 2025 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં રામમંદિર માટે ધ્વજસ્તંભ બનાવવામાં આવ્યો હતો જે આજે રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ધ્વજસ્તંભ દોઢ કલાકમાં ક્રેનની મદદથી લગાવવામાં આવ્યો હતો. ધજા લગાવ્યા પછી, મંદિરની ઊંચાઈ 203 ફૂટ હશે. આ ધ્વજસ્તંભનું વજન 5.5 ટન છે અને તે પિત્તળથી બનેલો છે. તેનું આયુષ્ય લગભગ 100 વર્ષ છે. તેને 60 કારીગરોએ 7 મહિનામાં તૈયાર કર્યો હતો.


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 6:30 વાગ્યે, એન્જિનિયરો 160 ફૂટની ઊંચાઈ પરના શિખર પાસે હાજર હતા. અહીં 2 ક્રેનની મદદથી ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો. ધીમે ધીમે તેને સીધી રીતે ઊંચો કરવામાં આવ્યો અને પછી ક્રેનની મદદથી મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો. આ પ્રક્રિયા સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહી.


ધ્વજસ્તંભ અમદાવાદની એક કંપની દ્વારા બનાવાયો

રામમંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ધ્વજસ્તંભ ગુજરાતના અમદાવાદની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં તેને ટ્રક દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે શીખર તૈયાર નહોતું. આથી ધ્વજસ્તંભ રામમંદિર પરિસરમાં રાખવામાં આવ્યો હતો. હવે શિખર બન્યા પછી, તેને સ્થાપિત કરાયો છે.

આ પહેલાં, 14 એપ્રિલે સવારે, અયોધ્યામાં રામમંદિરના મુખ્ય શીખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ કળશની પૂજા કરવામાં આવી. આ પછી, તેને મુખ્ય શિખર પર વૈદિક મંત્રોચ્ચાર અને હવન-પૂજા સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો.


મંદિર પરિસરમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે

રામમંદિરની 800 મીટર લાંબી દીવાલમાં બનેલાં 6 મંદિરોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવાની પ્રક્રિયા 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાથી શરૂ થશે. આ માટે, બધાં મંદિરોમાં સફેદ આરસપહાણથી બનેલું 2 ફૂટ ઊંચું સિંહાસન પણ તૈયાર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application