ભળતા નામવાળા દસ્તાવેજનો ઉપયોગ કરી પાસપોર્ટ કઢાવવાનો પ્રયત્ન કરનાર આરોપીને ત્રણ વર્ષની ફટકારાઇ સજા

  • September 02, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર પંથકમાં ૧૬ વર્ષ પહેલા ૨૦૦૮ની સાલમાં રાણાવાવ  પોલીસ મથક ખાતે એક ઇસમ સામે ભળતા નામવાળા વ્યક્તિના નામનું ખોટુ એલ.સી. કઢાવી પાસપોર્ટ માટે તેનો ઉપયોગ કરતા ગુન્હો નોંધાયો હતો જેમાં આરોપીને રાણાવાવ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે.
બનાવની હકીકત એવી છે કે, આ કામના આરોપી જીતેન્દ્ર મુરજીભાઇ થાનકી કે જેઓ શીશલી ગામ, તા.જિ. પોરબંદરના વતની છે અને શીશલી ગામમાં જ પે -સેન્ટર શાળામાં અભ્યાસ કરેલ હતો અને તેઓ શીશલી ગામની મતદાર યાદીમાં પણ તેમનું નામ રહેલ હતુ અને તેઓએ  આ કામના ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકી, રહે. રાણાવાવ કે જેઓ રાણાવાવના રહીશ છે અને તેઓ રાણાવાવ સરકારી હાઇસ્કૂલમાં અભ્યાસ કરેલ હતો અને આ કામના આરોપીએ ફરીયાદી જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યાંથી ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકીના નામનું લીવીંગ સર્ટીફિકેટ કઢાવેલ હતું અને તે લિવીંગ સર્ટીફિકેટ મેળવવા માટે તેઓએ ફરીયાદીના નામનો ઉપયોગ કરી, ફરીયાદીના નામનું ખોટું સોગંદનામુ કરી, ફરીયાદીના નામથી ખોટા અરજ અહેવાલ કરી, ફરીયાદીના નામની ખોટી સહીનો ઉપયોગ કરી, ફરીયાદીનું ડુપ્લીકેટ લીવીંગ સર્ટીફિકેટ મેળવેલ હતુ અને આ કામના આરોપી રાણાવાવમાં રહેતા ન હોવા છતા રાણાવાવ નગરપાલિકામાંથી પોતે રાણાવાવના રહીશ હોવાનો દાખલો કઢાવેલ હતો અને દાખલો કઢાવવા માટે ખોટુ ભાડાકરાર રજૂ કરેલ હતું. ત્યારબાદ આ કામના આરોપી જીતેન્દ્ર મુરજીભાઇ થાનકીનાઓએ આ કામના ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકીના નામના દસ્તાવેજોનો ઉપયોગ કરી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવેલ હતુ અને ડ્રાઇવીંગ લાયસન્સ મળી ગયા બાદ તેઓએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલ હતી અને પાસપોર્ટ કઢાવવા કરેલ અરજી બાબતે પોલીસ વેરીફીકેશન થતા પોલીસ વેરીફીકેશનમાં માણસોએ આ કામના ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકીનો સંપર્ક કરતા  આ કામના ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકીએ જણાવેલ કે અમોએ કોઇ પાસપોર્ટની અરજી કરેલ નથી, જેથી આ કામના  ફરીયાદી જીતેનભાઇ મુળશંકરભાઇ થાનકીને જાણ થયેલ કે તેના નામના દસ્તાવેજોનો અને તેમના નામનો તથા તેમની સહીનો કોઇએ દુરઉપયોગ કરેલ છે. જેથી આ કામના ફરીયાદીએ રાણાવાવ પોલીસસ્ટેશનમાં તે મુજબની ફરીયાદ હકીકત જાહેર કરેલ હતી. ત્યારબાદ રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ફરીયાદ હકીકત મુજબ તપાસ કરતા આ કામના આરોપી જીતેન્દ્ર મુરજીભાઇ થાનકીઓએ ભળતા નામનો ઉપયોગ કરી તથા બનાવટી દસ્તાવેજો ઉભા કરી પાસપોર્ટ કઢાવવાનો પ્રયત્ન કરેલ હોવાનું તપાસમાં ખુલેલ અને તે મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસના કામે સામેલ રાખી અને આરોપી વિ‚ધ્ધ કોર્ટમાં આઇ.પી.સી.ની કલમ  મુજબનું ચાર્જશીટ દાખલ કરેલ હતુ જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા તેમા ફરીયાદી તથા સાહેદોના પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જયેશ એલ.ઓડેદરાની દલીલના આધારે કોર્ટે આરોપીને ફરીયાદીના નામનો તથા તેમના દસ્તાવેજોનો દુરઉપયોગ કરી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ હોવાનુ તથા બનાવટી અને ખોટા દસ્તાવેજો હોવાનું જાણવા છતા ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી અને તે દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કઢાવવાનો પ્રયત્ન કરેલ હોવાનું સાબિત માની આ કામના આરોપી જીતેન્દ્ર મુરજીભાઇ થાનકીને આઇ.પી.સી.ની કલમ ૪૧૯ મુજબ ત્રણ વર્ષની કેદની સજા, આઇ.પી.સી. કલમ  -૪૬૫ મુજબ બે વર્ષની કેદની સજા, આઇ.પી.સી.ની કલમ -૪૬૭ મુજબ બે વર્ષની કેદની સજા, આઇ.પી.સી. કલમ -૪૭૧ મુજબ બે વર્ષની કેદની સજા તથા આઇ.પી.સી. કલમ -૪૭૪ મુજબ ત્રણ વર્ષની કેદની સજા  ફરમાવતો હુકમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ રાણાવાવ દ્વારા કરવામાં આવેલ છે. સજા સાથે જ ભોગવવાનો હુકમ થયો હોય છે તેથી બધી સેકશન વિષે અલગ અલગ સજા પડી છે પરંતુ વધુમાં વધુ ત્રણ વર્ષની સજા હોવાથી આરોપીને ત્રણ વર્ષની સજા થયાનું આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જયેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application