સરહદી જિલ્લા કચ્છમાં ડીઝલની કટોકટીએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ડીઝલની ભારે અછતથી પરેશાન ટ્રાન્સપોર્ટ માલિકો હવે આક્રમક મૂડમાં આવ્યા છે. 'ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન' દ્વારા ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને એક અત્યંત જરૂરી જાહેર જાહેરાત મારફતે આખરી ચેતવણી આપવામાં આવી છે કે જો ૨૧ મે ૨૦૨૬ સુધીમાં ડીઝલની સમસ્યાનું કાયમી સમાધાન નહીં થાય, તો જિલ્લાના તમામ પોર્ટ પર સ્વેચ્છાએ લોડિંગ અને અનલોડિંગની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
પેટ્રોલ પંપ પર ૫૦ લીટર ડીઝલ માટે પણ ફાંફા
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. વાહનો ચલાવવા માટે પેટ્રોલ પંપ પર ૫૦ લીટર જેટલું નજીવું ડીઝલ પણ મળી રહ્યું નથી. માત્ર ૫૦ લીટર ડીઝલ મેળવવા માટે ટ્રક ચાલકોએ એકથી બીજા પેટ્રોલ પંપ પર ભટકવું પડી રહ્યું છે. સમયસર ડીઝલ ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે, જેના લીધે ટ્રાન્સપોર્ટ માલિકોને રોજ લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

પોર્ટના વેપાર પર સંકટના વાદળો
જો ૨૧ મે સુધીમાં પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે તો તેની દેશના અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે. કંડલા, મુંદ્રા સહિત કચ્છના તમામ નાના-મોટા પોર્ટ પર વહાણો (Vessel) માંથી માલસામાન ચડાવવા કે ઉતારવાની કામગીરી અટકી જશે. તેમજ ટ્રક માલિકો સ્વેચ્છાએ ઓપરેશન બંધ કરશે તો પોર્ટ પરથી દેશના અન્ય ભાગોમાં થતો માલસામાનનો સપ્લાય ચેઈન તૂટી જશે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્ર આ બાબતની ગંભીર નોંધ લે અને તાત્કાલિક ધોરણે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે.