રાજકોટ મહાપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સામે ખુલ્લેઆમ મેદાને પડ્યો છે અને કમિશનર રાજકોટના નહીં પરંતુ ભાજપના કમિશનર હોવા સહિતના આક્ષેપો કર્યા છે, જંગલેશ્વર ઉપરાંત નળ, ગટર, લાઇટ, સફાઇ, રસ્તાકામો સહિતના મુદ્દે તેઓ છેલ્લા ૧૫ દિવસથી રજૂઆત કરવા માટે પ્રયાસો કરતા હોવા છતાં કમિશનર છેલ્લા ૧૫ દિવસથી ઓફિસમાં પુરી ૧૫ કલાક પણ બેઠા ન હોય ઓફિસમાં મળતા નથી તેમજ ફોન પણ રિસિવ કરતા નથી તે સહિતના આક્ષેપો કર્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના વિપક્ષી નેતા અને વોર્ડ નં.૧૫ના કોંગ્રેસી કોર્પોરેટર વશરામ સાગઠીયાએ બેફામ આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છેલ્લા ૧૫ દિવસમાં કોર્પોરેશન ઓફિસમાં કુલ પૂરી ૧૫ કલાક પણ બેઠા નથી. મ્યુનિ.કમિશનર પાસે ભાજપના દરેક કાર્યક્રમમાં જવા માટે સમય છે, ગાંધીનગરની મીટીંગોમાં જવા માટે સમય છે, પ્રભારી મંત્રી આવે તેની સેવા કરવા માટે સમય છે પરંતુ રાજકોટના લોકોના પ્રશ્નો કે રાજકોટના લોકોની મુશ્કેલીઓ સાંભળવા માટે સમય નથી.
મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ વધુમાં આક્ષેપો કરતા ઉમેર્યું છે કે, છેલ્લા ૧૫ દિવસમાં લગભગ ૧૫ વખત મેં પોતે ફોન કર્યા છે પરંતુ મોટાભાગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું આગળ ધરી પોતાના નિવાસસ્થાને અથવા ભાજપમાં વ્યસ્ત હોય તેવું મને લાગી રહ્યું છે. કમિશનરને નોકરી ન કરવી હોય તો રાજીનામું આપી અને ભાજપના કાર્યકર તરીકે ભાજપનું કામ કરવું જોઇએ નહીં કે સરકારી પગાર લઇ, લોકોના પરસેવાને કમાણીના પગાર લઇને ભાજપનું કામ કરવું યોગ્ય નથી.