રાજકોટના દેવગામની પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ, અત્યાર સુધીમાં રાજકોટના 6783 બાળકોના થયા છે "૧૦૮ એમ્બ્યુલન્સ”માં જન્મ

  • May 09, 2023 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦૮ની સેવા દ્વારા પ્રસુતાઓને હોસ્પિટલ પહોંચાડવાની સાથે સાથે જરૂર જણાયે સમયસૂચકતાથી એમ્બ્યુલન્સમાં જ ઈ.એમ.ટી.ની મદદથી સફળ પ્રસુતિ કરવામાં આવતી હોય છે. આવા કિસ્સામાં એપ્રિલ માસમાં રાજકોટનાં ૪૮ સહીત ગુજરાતમાં કુલ ૭૮૪ પ્રસુતાઓની સફળ પ્રસુતિ કરાવી હતી. અત્યાર સુધીની વાત કરીએ તો રાજકોટનાં ૬,૭૮૩ સહીત ગુજરાતમાં ૧,૨૯,૨૬૦ બાળકોનાં જન્મસ્થળનું સરનામું "૧૦૮ એમ્બ્યુલન્સ" બની ચુકી છે.


રાજકોટના દેવગામની પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક માટે "૧૦૮ એમ્બ્યુલન્સ" સેવા જીવન રક્ષક બની હતી. કેસ વિશે વધુ વિગતો આપતાં જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દેરડી કુંભાજી નજીક આવેલા દેવગામમાં ખેતમજૂરી અર્થે આવેલા પરપ્રાંતીય પરિવારના ૨૨ વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતાં પ્રસુતિ માટે દેવગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ૨ કલાક જેટલી મહેનતનાં અંતે પણ પ્રસુતિ ન થતાં ફરજ પરના હાજર ડોકટરોએ નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમરેલી ખાતે લઈ જવા માટે ૧૦૮ને કોલ કર્યો હતો. 


દેરડી કુંભાજી લોકેશન સ્થિત ૧૦૮ની ટીમનાં ઈ.એમ.ટી. બિપીનભાઈ બાવળીયા અને પાયલોટ સંજયભાઈ મારૂ કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં જ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમરેલી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા ઈ.એમ.ટી. બિપીનભાઈએ સમયસુચકતા વાપરી રસ્તાની સાઇડમાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખી ૧૦૮ હેડ ઓફિસનાં ડો. અંજલીબેનની  ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી. માતા અને બાળકને યોગ્ય સારવાર આપી બંનેનો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર અર્થે માતા અને બાળકને નજીકનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - ચિતલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબિબોએ વધુ સારવાર પૂરી પાડી હતી.  હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે. આ તકે તેના પરિજનોએ માતા અને બાળક માટે જીવનરક્ષક બનેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં આરોગ્ય કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર એવી વિશ્વાસનો પર્યાય બની ચુકેલી ૧૦૮ સેવામાં આવેલા કેસ વિશે માહિતી આપતાં ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં આવતા જુદા-જુદા કેસો પૈકી મોટા ભાગે ગર્ભાવસ્થા સંબંધિત કેસ આવતા હોય છે. ગત એપ્રિલ માસમાં ગર્ભાવસ્થા સંબંધિત રાજકોટમાં ૧૧૨૬ સહીત ગુજરાતમાં ૨૮,૮૫૪ કેસ સાથે અત્યાર સુધીમાં રાજકોટનાં ૧,૯૭,૩૯૫ સહીત કુલ ૪૯,૯૪,૯૮૮ કેસ નોંધાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application