રાજકોટ મહાપાલિકાએ જેને ગૌરવપથ જાહેર કર્યો છે તે કાલાવડ રોડ ઉપર વોર્ડ નં.૧૦માં રખડું ડાઘીયા એવા શેરી શ્વાનોનો આતંક એટલી હદે પ્રસર્યો છે કે હવે નાગરિકો મોર્નિંગ કે ઇવનિંગ વોકમાં જતા ડરવા લાગ્યા છે. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારની પોશ રહેણાંક સોસાયટીઓમાં શેરી શ્વાનો પાછળ દોડતા હવે અનેક ફરિયાદો હોવા છતાં મહાપાલિકાએ કોઇ કાર્યવાહી કરી નથી. કૂતરા પકડવા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રાજકોટ મહાપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના પરિણામે ચાલુ વર્ષ ૨૦૨૫માં તા.૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૧૪,૧૦૬ નાગરિકોને કૂતરા કરડ્યા છે અને તેમણે સારવાર લેવી પડી હોવાનું ઓન રેકર્ડ નોંધાયું છે.
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના રેકર્ડ ઉપર ડોગબાઇટના કુલ ૧૪૧૦૬ કેસ નોંધાયા છે જેમાં મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ તેમજ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં નોંધાયેલા કેસો પણ સમાવિષ્ટ છે. જો કૂતરું કરડ્યા બાદ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવનાર દર્દીઓનો આંક જો ઉપરોક્ત આંકમાં ઉમેરાય તો સંખ્યા બમણાથી ત્રણ ગણા જેટલી થઇ શકે છે. નાગરિકોની પાછળ દોડીને કરડતા કૂતરા પકડવામાં તેને રિ હેબ કરવામાં મ્યુનિસિપલ સ્ટાફ જીવદયા પ્રેમીઓના ભયથી થર થર ધ્રૂજી રહ્યો છે. ડોગ બાઈટનો ભોગ બનતા નાગરિકો કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાને બદલે મહાપાલિકાનો સ્ટાફ જીવદયા પ્રેમીઓ કહે તે મુજબ કામગીરી કરવા લાગ્યો છે. અમુક વિસ્તારોમાં લોકોને કરડતા કૂતરા રિ-હેબ માટે જપ્ત કર્યા બાદ જીવદયાપ્રેમીઓની ફરિયાદ અને જીદથી ડરીને મ્યુનિસિપલ સ્ટાફ કૂતરા જપ્ત કરેલ કૂતરા પરત મૂકવા ગયાના બિલકુલ શરમજનક કહી શકાય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.
મહાપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલાબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષ રાડિયા, સેનીટેશન કમિટી ચેરમેન નિલેશ જલુ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને વેટરનરી ઓફિસર ડો.ઉપેન્દ્ર પટેલ સહિતના જવાબદારો રાજકોટને રખડું શ્વાનોની સમસ્યાથી મુક્ત કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
રાજકોટમાં ક્યા મહિનામાં કેટલાને કૂતરા કરડ્યા ?
મહિનો----કેસની સંખ્યા
જાન્યુઆરી ૧૬૪૪
ફેબ્રુઆરી ૧૩૬૩
માર્ચ ૧૩૭૭
એપ્રિલ ૧૩૮૬
મે ૧૩૮૭
જૂન ૧૩૦૨
જુલાઇ ૧૪૭૫
ઓગસ્ટ ૧૩૫૮
સપ્ટેમ્બર ૧૩૨૨
ઓક્ટોબર ૧૪૯૨
કુલ સંખ્યા ૧૪,૧૦૬