BREAKING NEWS

રાજકોટ એસટી સ્ટેન્ડમાં ડાઘિયા કુતરાઓને વાઇબ્રન્ટ પૂર્વે મનપા પકડશે,ફરી એ જ સ્થળે મૂકી આવવાનો નિયમ પાલન કરશે?

  • December 29, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા કચેરીની તદ્દન બાજુમાં એક જ દિવાલે આવેલા રાજકોટના સેન્ટ્રલ એસટી બસપોર્ટમાં છેલ્લા છ મહિનાથી રખડું ડાઘિયા કૂતરાઓનો ભયંકર ત્રાસ હોય મુસાફરો ભયભીત બની ગયા છે. દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવરજવર ધરાવતા બસપોર્ટમાં એકાદ ડઝન રખડું ડાઘિયાનો મુકામ છે જે મુસાફરોની પાછળ દોડે છે, મોડી રાત સુધી ભસે છે, કરડે છે તેમજ અકસ્માતો પણ સર્જે છે. આ અંગે અગાઉ ફરિયાદ બાદ રખડું કૂતરાઓનું ન્યૂસન્સ દૂર કરવા આદેશ કરાયા પછી પણ કોઈ કાર્યવાહી કરાઇ ન હોય તાજેતરમાં વધુ એક વખત નિગમના એમ.ડી.ને બાસપોર્ટના પ્લેટફોર્મ ઉપર રખડતા કૂતરાઓની તસવીરો સાથે ફરિયાદ કરાઇ છે.

વધુમાં નિગમના એમ.ડી.ને કરાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રખડું શ્વાનના પ્રશ્ને કડક વલણ અખત્યાર કરી રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેશનમાં કુતરાઓના ત્રાસ દુર કરવા આદેશ કરવા છતાં રાજકોટના એસ.ટી બસ પોર્ટમાં તા.૨૪ ડિસેમ્બરના સવારના છ કલાકે કુતરાના અડિંગા જોવા મળી રહ્યા હતા. પ્લેટફોર્મ નંબર એક અને બે પર કુતરા આંટા ફેરા કરતા અને બસપોર્ટના મેદાનમાં પણ જોવા મળ્યા હતા. રાજકોટના એસ.ટી બસપોર્ટમાં અંદાજે પચાસ હજારથી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. મુસાફરોએ ચોર, લુટારા, પોકેટમારો, લુખ્ખાગીરી કરનારાથી સાવધ રહેવાની તો સાથો સાથ હવે ડાઘીયા કુતરાં કરડી ન જાય એ બાબતે તકેદારી રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

રૂ.૧૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ રાજકોટ એસ.ટી બસપોર્ટમાં અગાઉ કુતરાના ઝુંડ જોવા મળતા મુસાફર મહિલા, બાળકોને વૃદ્ધોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તત્કાલીન સમયે એસ.ટી. નિગમના એમ.ડી.ને ફોટોગ્રાફ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. રખડું કુતરાના સામ્રાજ્ય અંગેના સીસી ફૂટેજ મેળવી કડક પગલા ભરવા ફરિયાદો કરવામાં આવતા ગુજરાત એસ.ટી.નિગમની વડી કચેરીએ રાજકોટ વિભાગીય નિયામકને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે નિગમ અને ડેવલપર વચ્ચે થયેલ કરાર (કન્સેશન એગ્રીમેન્ટ)ની જોગવાઈ મુજબ મુસાફરોના જાન માલની સલામતી માટે ડેવલોપર સાથે પરામર્શમાં રહી સ્થળ વિઝીટ કરી રજૂઆત અન્વયે પુન: આ પ્રકારની ફરિયાદ ઉપસ્થિત ન થાય તે મુજબની વ્યવસ્થા કરી અરજદારને પ્રત્યુતર પાઠવવા આદેશ કરવામાં આવેલ હતો. અને તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહીં અને અરજદારને પ્રત્યુતર પણ નહીં મળતા પુન: સ્મૃતિપત્ર દ્વારા ડાઘીયા કુતરાઓના ત્રાસ અને સીસી ફૂટેજ મેળવી ડેપો મેનેજર પણ કાર્યવાહી કરવાની વધુ એક વખત લેખિત માંગ રાજ્યના મુખ્યમંત્રી અને અમદાવાદ ની વડી કચેરી ખાતે કરવામાં આવી છે.


વાઇબ્રન્ટ પૂર્વે મનપા રખડું કૂતરા જપ્ત કરશે ?

રાજકોટ શહેરમાં આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાનાર છે જેમાં પીએમ સહિત દેશ વિદેશના મહાનુભાવો હાજરી આપનાર છે ત્યારે સંભવ છે કે કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો બસ પોર્ટ નિહાળવા પણ આવી શકે છે ! આ સ્થિતિમાં મહાપાલિકા વ્હેલી તકે રખડું કૂતરાનો ત્રાસ દૂર કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. ખાસ કરીને મ્યુનિ.કમિશનરે પ્રાણી રંજાડ અંકુશ અને નિયંત્રણ કમિટી પણ બનાવી છે અને તેની જવાબદારી ડો.ઉપેન્દ્ર પટેલને સોંપી છે ત્યારે આ પ્રશ્ન તાકિદે ઉકેલાય તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application