BREAKING NEWS

રાજકોટ મનપામાં બજેટનો અભ્યાસ પૂર્ણ કરતી સ્ટેન્ડિંગ કમિટી, કાલે લાગશે મંજૂરીની મ્હોર; વેરા વધારો ફગાવી વ્યાજમાફીની ભેટ અપાશે

  • February 09, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું રિવાઇઝ્ડ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬- ૨૦૨૭ના ડ્રાફ્ટ બજેટનો અભ્યાસ ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના સભ્યોએ પૂર્ણ કર્યો છે અને હાલ બજેટને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે. કાલે સવારે ૧૦:૩૦ કલાકે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં સુધારા, વધારા, ઉમેરા સાથે મંજૂરીની મ્હોર લગાવાશે. દરમિયાન સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરા વધારો ફગાવી વ્યાજમાફી યોજનાની ભેટ અપાય તેવી પ્રબળ શક્યતા હોવાના નિર્દેશ મળી રહ્યા છે.


વિશેષમાં મહાપાલિકાના વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચૂંટણી વર્ષમાં ભાજપના શાસકોએ કમિશનરે સૂચવેલા પાણી વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારાને ફગાવવા મન બનાવ્યું છે તેમજ સંજોગોવશાત વેરો ભરપાઇ કરી શક્યા ન હોય તેવા મિલકતધારકોને ચોક્કસ ક્રાઇટેરિયામાં વ્યાજમાફી આપવા ગંભીર વિચારણા શરૂ કરી છે. એકંદરે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રજૂ કરેલા બ્લેક એન્ડ વ્હાઇટ બજેટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ શક્ય તેટલું કલરફૂલ બનાવવા પ્રયાસ કર્યો છે. ખાસ કરીને આવકના નવા સ્ત્રોત નિર્માણ કરીને કદમાં વધારો કરવા તેમજ નવી અને સાકાર થઇ શકે તેવી લોકભોગ્ય યોજનાઓનો ઉમેરો કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


આવતીકાલે સવારે ૧૦:૩૦ કલાકે મળનારી સ્ટેન્ડિંગ કમિટી મિટિંગના એજન્ડામાં બજેટ અને કરવેરાને લગતી કુલ ૧૦ દરખાસ્તો સમાવિષ્ટ છે જેમાં ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના સને૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો( નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ્સ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુરૂપ)તથા ડિજિટલાઇઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગીક રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજૂરી આપવા તેમજ ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રિવાઈઝ્ડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર મંજુર કરવા તેમજ આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર, પાણી દર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ, વાહન વેરો, થિયેટર ટેક્સ, એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા તેમજ મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અને ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા સહિતની દસ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application