સરકારે થોડા મહિના અગાઉ નવી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની રચના જાહેર કરી છે. વર્તમાન નગરપાલિકાઓને વિભાજિત કરીને નવી બનાવવામાં આવેલી નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં કામગીરી માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી મોટાભાગે બદલીઓ અને પ્રતિનિયુક્તિના ધોરણે આ જવાબદારી સોપવામાં આવી હતી. પરંતુ હવે નજીકના ભવિષ્યમાં જ્યારે પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોની ફરિયાદો વધુ વ્યાપક ન બને અને કામગીરી થાય તે માટે આવી નવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ આવી પ્રક્રિયા થુકના સાંધા જેવી હોવાની ફરિયાદો અત્યારથી જ ઊઠવા પામી રહી છે.
પંચાયત વિભાગના ગાંધીનગરના ટોચના વર્તુળોના જણાવ્યા મુજબ જે તે નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોની જગ્યા અત્યંત મહત્વની ગણવામાં આવતી હોય છે. પ્રમુખ ચૂંટાયેલા હોય છે પરંતુ ચીફ ઓફિસરની ભૂમિકા જે તે નગરપાલિકામાં અત્યંત મહત્વની અને આવશ્યક હોય છે. સૌરાષ્ટ્રમાં તળાજા ધારી બાબરા માણાવદર પાલીતાણા સિહોર કોડીનાર વલભીપુર જેવી નગરપાલિકાઓમાં ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા નિવૃત્ત અધિકારીઓથી ભરવાનો નિર્ણય લેવાયો છે. 62 વર્ષ કે તેથી ઓછી વયના નિવૃત્ત સરકારી અધિકારીઓ જેવા કે મામલતદાર, નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, મહાનગરપાલિકા હાઉસિંગ બોર્ડ પાણી પુરવઠા બોર્ડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આ જોબ ઓફર કરવામાં આવી છે. જે તે નગરપાલિકાના સંવર્ગ અને જે તે અધિકારીના વર્ગ મુજબ માસિક રૂપિયા 30 થી 60,000 નો પગાર આપવામાં આવશે. વધારાના કોઈ ભથ્થા નહીં મળે.
આવી જ રીતે પાલીતાણા તળાજા ગારીયાધાર મહુવા વલભીપુર રાજુલા અમરેલી જાફરાબાદ લાઠી બગસરા દામનગર ચલાલા બાબરા સાવરકુંડલા ધારી કેશોદ માંગરોળ માણાવદર વિસાવદર ચોરવાડ કોડીનાર ઉના તાલાલા અને વેરાવળ નગરપાલિકાઓમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની વર્ગ-3 ની જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવતા અને માન્ય યુનિવર્સિટીનો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસ પૂર્ણ કરનાર અરજદાર આ માટે અરજી કરી શકશે. 35 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે અને કુલ 29 જગ્યા છે. માસિક રૂપિયા 16,000 ના ફિક્સ પગાર ની ઓફર કરવામાં આવી છે. પરંતુ આ બધું જ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકારની કે જે તે નગરપાલિકાની આમાં કોઈ સીધી ભૂમિકા નથી અને ભરતી થનાર કર્મચારી એજન્સીનો કર્મચારી ગણવામાં આવશે.
પાલીતાણા મહુવા અમરેલી સાવરકુંડલા કેશોદ ઉના વેરાવળમાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ સાત જગ્યા ખાલી પડી છે તેમાં પણ માસિક રૂપિયા 16,000 ના પગારથી સ્નાતક કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા તથા માન્ય યુનિવર્સિટી માંથી એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ પૂરો કરનારને નોકરી આપવામાં આવશે.
અમરેલી અને વેરાવળ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વર્ગ ત્રણ ની બે જગ્યા પણ આઉટસોર્સિંગથી ભરવામાં આવશે. જોકે આ પોસ્ટમાં માસિક રૂપિયા 35,000 નો પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને નગરપાલિકાઓમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરની પણ જગ્યા ખાલી પડી છે કુલ ત્રણ જગ્યા માટે અરજીઓ માંગવામાં આવી છે અને તેમાં ઉમેદવાર એન્વાયરમેન્ટલ કે કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ. અથવા તો તેને સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
સેનેટરી ઇન્સ્પેક્ટર ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્વાયરમેન્ટલ એન્જિનિયર જેવી આ મહત્વની જગ્યાઓ ભરવાની જવાબદારી મહેસાણાની એક એજન્સીને સોપી છે . એજન્સી જે કર્મચારીઓની ભરતી કરશે તેને અંતિમ મંજૂરી સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટી ફાઇનલ કરશે.