હાલારમાં અષાઢી બીજની ભવ્યાતિભવ્ય ઉજવણી: ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો
ગઇકાલે અષાઢી બીજના દિવસે જામનગર અને દેવભુમિ દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ખાસ કરીને ચારધામ પૈકીના ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં અનેરી ઉજવણી થઇ હતી, ભગવાનને ચાંદીના રથમાં બેસાડીને ઉત્સવ સ્વપને ચાર પરીક્રમા કરવામાં આવી હતી, એટલું જ નહીં સ્તંભ સાથે રથને અથડાવીને આ સિઝનમાં સચરાચર વર્ષાની કામના કરવામાં આવી હતી. જામનગર અને જિલ્લાના મુખ્ય મંદિરોમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અનેક મંદિરોમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું, જયારે ખેડુતોએ પણ ગઇકાલે ઓજારોની પુજા કરી હતી, ગામડામાં શાળામાં બાળકોને મીઠુ મોઢુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, પુષ્ય નક્ષત્ર અનુસાર રવિવારે સાંજે અષાઢી બીજ નિમિતે ભગવાન દ્વારકાધીશજીના બાળ સ્વપની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભગવાનને ચાંદીના રથમાં બેસાડીને પુજારી પરીવાર દ્વારા દ્વારકાધીશજીના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર પરીક્રમા કરાવવામાં આવી હતી, આ રથયાત્રામાં હજારો ભાવીકો જોડાયા હતાં.
જામનગરના સ્વામીનારાયણ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભગવાનના વિશિષ્ટ દર્શન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલ સવારથી જ ખેડુતોએ અષાઢી બીજ નિમિતે વડીલોને પગે લાગીને આર્શીવાદ મેળવ્યા હતાં, એટલું જ નહીં શહેરમાં લોકો પણ આ દિવસો વડીલોને પગે લાગે છે. કેટલીક શાળાઓમાં બાળકોને મીઠાઇ આપવામાં આવે છે, ખાસ કરીને ખેડુત માટે અષાઢી બીજનો દિવસ ખુબ જ મહત્વનો કહી શકાય, કાલે અષાઢી બીજ હોવાથી કેટલાક મંદીરોને પણ શણગારવામાં આવ્યો હતો અને કેટલાક મુખ્ય મંદીરોમાં અન્નકુટ દર્શન કરવામાં આવ્યો હતો અને ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
ફલ્લાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાલાવડ નજીક આવેલા રણુજા ગામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, શ્રી રામદેવજી મહારાજની જગ્યામાં નવા રણુજામાં ખુશાલ બાપુની જગ્યામાં અને જુના રણુજામાં હીરાબાપાની જગ્યામાં અષાઢી બીજ ભવ્ય રીતે ઉજવાઇ હતી અને મંદિર ઉપર બાવન ગજની ઘ્વજાજી ચઢાવવામાં આવી હતી, પુજા, આરતી, મહાઆરતી, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, બંને સ્થળોએ ખ્યાતનામ કલાકારોનો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, મોટી સંખ્યામાં ભકતો દર્શન કરવા હાજર રહ્યા હતાં અને ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આમ સમગ્ર હાલારમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.