રાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો

  • April 23, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર એસઓજીએ ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને વધુ વેગ આપતા નવા 150 ફૂટ રિંગરોડ પરથી રાણાવાવના મુસ્તાક શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 12.89 લાખ રૂપિયાની કિંમતનું માદક દ્રવ્ય એમ.ડી. ડ્રગ્સ કબજે કર્યું છે. આ ઉપરાંત, પોલીસે તેની પાસેથી કાર પણ જપ્ત કરી છે, આમ કુલ મળીને 17.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા (નાર્કોટિક્સ સેલ) દ્વારા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે નવા 150 ફૂટ રીંગ રોડ પર હોટલ રોયલ રીટ્રીટ પાસે વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી એક શખ્સને માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે પકડી પાડ્યો છે.


પોલીસ હેડ કોન્સ. ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને પો. કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ મુસ્તાક રજાકભાઇ શેખ (ઉ.વ. ૩૩, રહેવાસી- રાણાવાવ, પોરબંદર) તરીકે થઈ છે.


પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોનનો મોટો જથ્થો કબજે કર્યો છે અને તેની સામે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપી મુસ્તાકનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને તે અગાઉ જામનગર ખાતે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.


આ સફળ કામગીરી પો.ઈન્સ. એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. એમ.બી.માજીરાણા અને એસ.ઓ.જી. શાખાના અન્ય પોલીસ કર્મચારીઓએ કરી હતી. જપ્ત કરાયેલા મેફેડ્રોનનું પ્રાથમિક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી શ્રી. કે. એમ. તાવીયા સાહેબે કર્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application