તો રાજકોટનો લોકમેળો પીંછા વગરના મોર જેવો લાગશે

  • August 05, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જન્માષ્ટમી પર્વના દિવસો નજીક આવી રહ્યા છે, રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પાંચ દિવસીય લોકમેળાનું આયોજન થઇ ગયું છે, પરંતુ હજી લોકમેળાની મઝા એવા યાંત્રિક રાઇડ્સનું કોકડું આજે પણ ઉકેલાયું નથી. રાઇડ્સ ધારકો નિયમોમાં છૂટછાટ માગી રહ્યા છે અને કલેકટર તંત્ર દ્વારા સુરક્ષામાં સમાધાન નહીંનું વલણ હાલ દશર્વિાયું છે. જો, આ બન્નેમાંથી એક ઢીલું નહીં મુકે અને યાંત્રિક રાઇડ્સ મેળામાં નહીં આવે તો રાજકોટના લોકમેળો પ્રથમ વખત રાઇડ્સ વિનાનો પીંછા વગરના મોર જેવો બની રહેશે.
રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયા બાદ તમામ તંત્ર એલર્ટ મોડમાં છે, સુરક્ષા બાબતે સજાગ છે, અગ્નિકાંડના ત્રણ મહિના બાદ જાહેર જનતા માટેનો મેળાવડો એવો રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો આગામી તા.24થી 28 સુધી યોજાનાર છે. અગ્નિકાંડને લઇને સુરક્ષાની દ્રષ્ટિએ કલેકટર તંત્ર દ્વારા આ વખતે ઓલરેડી 30 ટકા સ્ટોલ ઘટાડી દેવાયા છે જેથી મેળામાં વધુ જગ્યા મળી શકે. આ ઉપરાંત મોટી રાઇડ્સ માટે પણ ફાઉન્ડેશન ફરજિયાત તેમજ યાંત્રિક વિભાગની ટેસ્ટીંગ પ્રક્રિયા સાથે રાઇડ્સના સર્ટિફિકેટ, ઓપરેટરનો અનુભવ સહિતની વિગતો માગવામાં આવી છે.
પ્રથમ વખત કડક નિયમો આવતા રાઇડ્સના સંચાલકો ઉવાચ બની ગયા છે. જો આ નિયમો રહેશે તો મેળામાં રાઇડ્સ ચલાવવી સંભવ નથી તેવું ફોર્મ નોંધણી વખતે જ રાઇડ્સધારકો કહેતા હતાં. બે દિવસ પહેલા શનિવારે મેળાના સ્ટોલ અને પ્લોટની ડ્રો-હરરાજી યોજાયા હતાં. નિયમમાં કોઇ ફેરબદલ ન હોવાથી શનિવારની હરરાજીમાં યાંત્રિક રાઇડ્સધારકો અળગા રહ્યા હતાં અને હરરાજી થઇ ન હતી. આજે સોમવારે ફરી હરરાજી હાથ પર લેવાની હતી.
રાઇડ્સ સંચાલકો આજે પણ નિયમમાં બાંધછોડ થાય તો ભાગ લેવાની વાતને મકકમ રહ્યા હતાં. બપોર સુધી રાઇડ્સ માટે હરરાજી શકય બની ન હતી. કલેકટર તંત્ર દ્વારા એસઓપી મુજબ નિયમોનું પાલન કરવું પડશે તેવી સ્પષ્ટ વાત કરી હતી. આખરી નિર્ણય કલેકટર જ લઇ શકે તેવું જવાબદારોએ જણાવી દીધુ હતું. જેને લઇને રાઇડ્સ સંચાલકો કલેકટરને મળવા માટે નવી કલેકટર ઓફિસ દોડી આવ્યા હતાં. કલેકટર હાજર ન હોવાથી સાંજના પાંચ વાગ્યે ફરી બધા મળવા જનાર છે.
રાઇડ્સ સંચાલકો પૈકીના ઝાકીરભાઇના જણાવ્યા મુજબ જે નિયમો છે તેમાં રાઇડ્સધારકોને આવક ઓછી અને ખર્ચ વધુ થશે. હજી રાઇડ્સ બનાવનાર કંપ્ની પાસેથી રાઇડ્સની ક્ષમતાના પ્રમાણપત્ર લઇ આવવાનું કહેવામાં આવે તો એ શકય થઇ શકે. જો ફાઉન્ડેશન અને આવી અન્ય પ્રક્રિયા કરવાની વાત સમય ઓછો છે અને ખર્ચ પણ વધુ થાય એ માટે શકય જેવી નથી. જો કોઇ રાઇડ્સને પરમેનેન્ટ મુકવાની હોય તો આવા મજબૂત ફાઉન્ડેશન બનાવવા પડે અને આના માટે છ માસ જેવો સમય જરી છે. અત્યારે ગુંચવાયેલા કોકડાનો મામલો કલેકટરના હાથમાં રહેશે. સુરક્ષા સંબંધી નિયમો હળવા કરીને રાઇડ્સ સંચાલકોને છૂટ અપાશે કે નહીં? તેના પરથી મેળામાં રાઇડ્સ આવશે કે નહીં તે નકકી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News