ભાણવડમાં વૃદ્ધ અને નધણીયાતા બળદનું આશ્રય સ્થાન એટલે શિવ નંદી આશ્રમ

  • February 06, 2025 11:19 AM 

બે વર્ષથી ચાલતું ભગીરથ સેવા કાર્ય પ્રશંસાપાત્ર



દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ પણ રીતે ઈજાગ્રસ્ત બનેલા પશુ, પક્ષીઓને પણ પ્રાથમિક સારવાર આપી અને પોરબંદર, જામનગર કે અન્ય સ્થળે પહોંચાડવામાં આવે છે.


આજથી આશરે બે વર્ષ પૂર્વે એનિમલ લવર્સ ગ્રુપના સક્રિય કાર્યકર અશોકભાઈ ભટ્ટ તથા તેમની ટીમના સ્વયંસેવકોને વિચાર આવ્યો કે ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં વૃદ્ધ બનેલા બળદથી અશક્તિના કારણે કામ ન થઈ શકતા જે બળદે પોતાની આખી જિંદગી પોતાના માલિક માટે ઘસી હોય, તેને સ્વાર્થી માલિકો હાંકી કાઢતા હોય છે. જેથી આવા માલિકને ત્યાં બળદને ખાવાનું તો ઠીક પાણી પણ મળતું ન હોવાથી આવા બળદ દયાજનક પરિસ્થિતિમાં મૃત્યુની રાહ જોતા પડ્યા હોય છે. આ પરિસ્થિતિમાં ભાણવડમાં રઘુવંશી દાતા વનરાવન કાકુભાઈ લાખાણીની વિશાળ જગ્યા પર "શિવ નંદી આશ્રમ"ના નામથી રખડતા બળદો માટે આશ્રય સ્થાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં આશરે 90 જેટલા બળદોને આશ્રય આપવામાં આવ્યો છે.


રૂ. સાડા આઠ લાખના ખર્ચે સેડ બનાવાયો

એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સમગ્ર ભાણવડ પંથકમાં વિના મૂલ્યે સાપ તથા અન્ય જીવોના રેસ્ક્યુ તેમજ સારવાર કરવામાં આવે છે. અહીં દાતાઓની મદદથી રૂપિયા સાડા આઠ લાખના ખર્ચે વિશાળ સેડ બનાવીને પંખાની સગવડ સાથે રોજ લીલો તેમજ સૂકો ચારો, કડણ, મગફળીનો ભૂકો, સિઝનમાં તરબૂચ, દુધી, રીંગણા, કોબી, મેથી જેવા શાકભાજી ખવડાવવામાં આવે છે. એટલું જ નહીં, બીમાર અને અશક્ત બળદ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો બળદ બેસી જ રહેતો તેઓની નસ જામ થઈ જતા તેમ મૃત્યુ પામે છે. આથી ખાસ બનાવવામાં આવેલી બે ઘોડી વડે બળદની હેરફેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


અહીં કેટલાક ફ્રેક્ચર વાળા, માથાના ભાગે કેન્સર જેવા રોગોથી પીડાતા બળદ માટે ખાસ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાણવડ ઉપરાંત ખંભાળિયા તેમજ આસપાસના જુદા જુદા ગામોમાંથી નિરાધાર, વૃદ્ધ, રખડતા બળદને ખાસ એમ્બ્યુલન્સથી જે-તે સ્થળેથી લઈ આવીને આ આશ્રમમાં રાખવામાં આવે છે તેમજ તેની સારવાર પણ કરાય છે. અહીં દરરોજ ત્રણ વખત ચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.


સવાર, સાંજ ધાર્મિક ભજન અને સપ્તાહ સંભળાવાય છે

વૃદ્ધ વ્યક્તિને જેમ ધાર્મિક ભજન સપ્તાહ કથા સંભળાવાય છે, તેમ અહીં પણ ખાસ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરીને નિરાધાર વૃદ્ધ બળદોને પાછલી જિંદગીમાં સારા ખોરાક સાથે સવાર-સાંજ ધાર્મિક ભજન તેમજ ભાગવત સપ્તાહની કેસેટ પણ સંભળાય છે.

એનિમલ લવર્સ ગ્રુપની ટીમના અશોકભાઈ ભટ્ટની સાથે મેરામણભાઈ ભરવાડ, અશોકભાઈ બાંભવા, વિજયભાઈ ખુંટી, અક્ષયભાઈ, વિશાલભાઈ, નિખીલભાઈ, વિજયભાઈ જોડ વિગેરે દ્વારા આ નંદી આશ્રમના કાર્યકરો, સ્વયંસેવકો બળદોની અદભુત સેવા કરે છે. શિવ નંદી આશ્રમના આ સેવા કાર્યમાં જોડાવવા સ્વયંસેવકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application