પૃથ્વીના તાપમાનમાં તીવ્ર વધારો જુલાઈના 4 દિવસો સૌથી વધુ ગરમ

  • July 29, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણી ધરતી તાપથી બળી રહી છે. પૃથ્વીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 21 જુલાઈથી સતત ચાર દિવસ સૌથી ગરમ દિવસો નોંધાયા છે. યુરોપ સ્થિત કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ અનુસાર, 21 જુલાઈના રોજ પૃથ્વીના સરેરાશ તાપમાનનો રેકોર્ડ 17.9 ડિગ્રી હતો. બીજા જ દિવસે તાપમાન ફરી 17.16ના રેકોર્ડ સ્તરને પહોંચ્યું હતું. તે બાદ 23મી જુલાઈએ થોડો ઘટાડો થયો હતો અને 24મી જુલાઈએ પણ 17.9 નોંધાયું હતું. અત્યાર સુધીના ઈતિહાસમાં પૃથ્વી આનાથી વધુ ગરમ ક્યારેય ન હતી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જે રીતે પૃથ્વીનું સરેરાશ તાપમાન ગત વર્ષે જુલાઈથી 1.5 ડિગ્રી (2.7 ડિગ્રી ફેરનહીટ) ઊંચુ રહ્યું છે, તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ ભય વ્યક્ત કર્યો છે કે, આનાથી પૃથ્વી પર માનવ જીવન શક્ય બનાવતી હવામાન પ્રણાલી તૂટી શકે છે. ત્યારે યુએનના તાજેતરના અહેવાલ અનુસાર, રાજસ્થાનનું ચુરુ પણ વિશ્વના 10 સૌથી ગરમ સ્થળોમાં સામેલ છે, જ્યાં તાપમાન 50 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
યુએનના તાજેતરના અહેવાલ ’યુનાઇટેડ નેશન્સ કોલ ટુ એક્શન ઓન એક્સ્ટ્રીમ હીટ’ અનુસાર, ભારતમાં આ વર્ષે ભારે ગરમીને કારણે, જૂનના મધ્ય સુધી 40,000થી વધુ હીટ સ્ટ્રોકના કેસ જોવા મળ્યા હતા અને 100 થી વધુ લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, વિશ્વના જે 10 સ્થળોએ 2024માં 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું તેમાં અમેરિકાના કેલિફોર્નિયામાં ડેથ વેલી, ચીનમાં સનબાઓ તેમજ ભારતમાં રાજસ્થાનનો ચુરુ જિલ્લો સામેલ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં છેલ્લા 48 કલાકમાં સૌથી ગરમ કલાકો દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. રાજધાની તેહરાનમાં શનિવાર અને રવિવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગરમીના કારણે અહીંના તમામ સરકારી કેન્દ્રો, સંસ્થાઓ અને બેંકો રવિવારે બંધ રાખવામાં આવી હતી. દેશમાં અભૂતપૂર્વ ઉંચુ તાપમાન ચાલુ હોવાથી નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને ઘરગથ્થુ ઉર્જા વપરાશનું સંચાલન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ ઈરાની સરકારને ટાંકવામાં આવ્યું હતું. ત્યારે દેશભરના તમામ સરકારી કેન્દ્રોએ શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે 6:00 વાગ્યાથી તેમના કામના કલાકો ઘટાડીને ચાર કલાક કરી દીધા હતા. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં, તેહરાનના દક્ષિણપૂર્વમાં, વરામીન કાઉન્ટી, પ્રાંતનો સૌથી ગરમ પ્રદેશ હતો, જ્યાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.


પૃથ્વી હિલીયમનો ફુગ્ગો બની રહી છે
પૃથ્વીનું તાપમાન જે ઝડપે દરરોજ નવા વિક્રમો સ્થાપી રહ્યું છે, તેની સાથે પરિસ્થિતિની તીવ્રતા સમજાવવા માટે હવે આપણી પાસે કોઈ ઉપમા કે રૂપક નથી. આપણી પૃથ્વી હવે હિલીયમનો ફુગ્ગો બની રહી છે, જેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે.  - કાર્લો બુઓન્ટેમ્પો, ડિરેક્ટર, કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application