BREAKING NEWS

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે સિકયુરિટી ગાર્ડ પાસેથી મોબાઇલ આંચકી છરીથી હુમલો

  • May 12, 2026 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે જે.પી.ટુ. આવાસના સિક્યુરિટી ગાર્ડને એક શખસે ટાઇમ પુછી બાદમાં તેમના હાથમાં રહેલો મોબાઇલ ફોન આંચકી લીધો હતો. પ્રૌઢે તેનો પીછો કરતા છરી ઝીંકી દીધી હતી. જે અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


શહેરના સહકાર મેઈન રોડ પર શ્રી નગર શેરી નં.૪ માં રહેતાં કમલેશભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉં.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સવા બે વર્ષથી શ્રી રાજ સિક્યુરિટીમાં પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


ગઈ તા. ૧૦ ના રાત્રિના દસ વાગ્યે નોકરીના સ્થળ ઉપર જે.પી.ટુ. આવાસના નવા બનતા બિલ્ડિંગ જે સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી ઉપર આવેલ હતાં. તેઓ સાઇટ ઉપર ચોકીદારી કરતો હતો તે દરમિયાન તા. ૧૧ ના હાજર હતા તે વખતે એક અજાણ્યો માણસ પાસે આવેલ અને જણાવેલ કે, કાકા કેટલા વાગ્યા ટાઈમ જોઈ દો, જેથી હાથમાં રહેલ મોબાઈલ ફોનમાં ટાઈમ જોઈને આ અજાણ્યા માણસને જણાવેલ કે, ભાઈ અત્યારે ૦૨/૩૬ વાગ્યા છે. જેથી અજાણ્યા માણસે તરત જ હાથમાં રહેલ મોબાઇલ ફોન જુટવીને લઈ લીધેલ અને તે દોડતો-દોડતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સામે જતો રહેલ અને ત્યાં બીજા બે અજાણ્યા માણસો બાઈક લઈને ઉભા હતા, તે બાઈકમાં તે બેસી ગયેલ હતો.


તેમજ ત્રણેય શખસો બાઈકમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર જતા રહેલ હતા અને આ વખતે સાઇટની સામે શિલ્પા જવેલર્સમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ વિરેન્દ્રસિંહ પરમાર ત્યાં હાજર હોય તેમને ઘટના જણાવેલ હતી. જેથી વિરેન્દ્રસિંહ પરમારના બાઈકમાં બંને મોબાઇલ ફોન લૂંટી જનાર બાઈક ચાલકનો પીછો કરેલ તે દરમિયાન કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સંકલ્પ સિદ્ધ હનુમાનજી દાદા મંદિર પાસે પહોંચતા તે શખસને ફરીયાદી ઓળખી ગયેલ જેથી બૂમ પાડતા આ અજાણ્યા શખસો મહિલા કોલેજ વૈશાલીનગર તરફ જવાના રસ્તા પાસે ઊભા રહેલ હતા.


તેઓ તરત જ તેમની પાસે ગયેલ અને આ મોબાઇલ ફોન લૂંટી જનાર શખ્સને જણાવેલ કે, મારો મોબાઇલ પાછો આપી દે, તો આ અજાણ્યો માણસ બાઈકમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલ કોઈ ધારદાર હથિયાર વડે જમણા હાથના કાંડાના ભાગે, બગલના ભાગે અને ડાબા હાથના ખભાના ભાગે ઇજા પહોંચાડેલ હતી. ફરીયાદીને ઈજા થતા લોહી નીકળવા લાગતા તેઓ નીચે પડી ગયેલ હતાં. જેથી સાથેના વિરેન્દ્રસિંહ પરમાર પાસે આવી જતાં આ અજાણ્યા માણસો બાઈકમાં ભાગી ગયેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસની ટીમે સીસીટીવી ફુટેજના આધારે આ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application