ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુદી જુદી પાંચ સમિતિઓની રચના કરવામાં આવી છે. નવેસરથી કરવામાં આવેલી આ રચનામાં કુલ 26 સભ્યોનો સમાવેશ કરાયો છે અને સમિતિમાં બે તથા નાણાં સમિતિમાં હજુ એકાદ સભ્યના ઉમેરાની શક્યતા છે.
કુલપતિ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન સહિતની મહત્વની જવાબદારી સંભાળી ચુકેલા ડોક્ટર નિદત બારોટને પરીક્ષા સમિતિમાં લેવામાં આવ્યા હોવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે જુદી જુદી સાત સમિતિઓની કરવામાં આવેલી નવરચનામાં નીદત બારોટને પરીક્ષા ઉપરાંત અભ્યાસ સમિતિમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ત્રણ સભ્યોની આ સમિતિ છે અને તેમાં જુદા જુદા વિષયના નિષ્ણાંત એવા હજુ બે સભ્યોનો ઉમેરો થાય તેવી શક્યતા છે.
બોર્ડે ગઈકાલે કારોબારી, પરીક્ષા, શૈક્ષણિક, અભ્યાસ અને નાણા એમ પાંચ સમિતિની રચના કરી છે઼ કારોબારી અને પરીક્ષા સમિતિમાં સાત- સાત, શૈક્ષણિક સમિતિમાં છ, અભ્યાસ સમિતિમાં ત્રણ અને નાણા સમિતિમાં પાંચ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.
તમામ સમિતિઓમાં સરકારી પ્રતિનિધિઓને પણ પૂરતા પ્રમાણમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાનના ડાયરેક્ટર, પાઠ્યપુસ્તક મંડળના નિયામક, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક, બોર્ડના અધ્યક્ષ સહિતનાઓને જુદી જુદી કમિટીઓમાં મહત્વના સ્થાનો અપાયા છે.
બોર્ડના અધ્યક્ષને હોદ્દાની રૂએ પરીક્ષા સમિતિમાં પણ અધ્યક્ષ સ્થાન અપાયું છે. કારોબારી સમિતિમાં શાળાઓની કચેરીના નિયામક અને પ્રાથમિક શિક્ષણ નિયામકને લેવામાં આવ્યા છે. બોર્ડની જુદી જુદી આ પાંચ સમીતિઓમા કારોબારી અને પરીક્ષા સમિતિનું સૌથી વધુ મહત્વ હોય છે. જોકે અન્ય સમિતિઓની ભૂમિકા પણ બોર્ડના રોજિંદા વહીવટમાં અને નીતિ વિષયક બાબતોમાં ઘણી મહત્વની ગણવામાં આવતી હોય છે.