સૌ.યુની.નો પદવિદાન સમારોહ મોડો થતાં વધુ 2,500 વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે

  • February 22, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અવસાનના કારણે મુલતવી રાખવામાં આવેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59 મો પદવીદાન સમારોહ હવે આગામી તારીખ 4 માર્ચના રોજ રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે તેવી જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે.

અગાઉ જ્યારે કોન્વેકેશન સમારોહ યોજવાનો હતો ત્યારે 40,057 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની હતી પરંતુ સમારોહ બે મહિના પાછળ જવાથી છેલ્લે ડિસેમ્બરમાં આવેલા પરીક્ષાના પરિણામમાં ઉતિર્ણ જાહેર થયેલા 2,500 જેટલા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેના કારણે આગામી તારીખ 4 માર્ચના રોજ યોજાનારા સમારોહમાં 42,500 જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે.

પદવીદાન સમારોહની નવી તારીખ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ ગાંધીનગર રાજભવન સાથે સતત સંપર્કમાં હતા અને રાજ્યપાલ તરફથી તારીખ ચાર માર્ચની ડેઈટ મળતા હવે 14 વિદ્યાશાખાના 42,500 વિદ્યાર્થીઓને તારીખ 4 માર્ચને મંગળવારે પદવીઓ એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની તારીકા રામચંદાણીને સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત 13 વિદ્યા શાખાના 109 વિદ્યાર્થીઓને 123 ગોલ્ડ મેડલ અને 138 વિદ્યાર્થીઓને 218 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.

પદવીદાન સમારોહને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી તે યથાવત રાખવામાં આવી છે. આ કમિટીઓ હવે કામે લાગી ગઈ છે. સમગ્ર સમારોહનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનારું છે. નવા કુલપતિ ઉત્પલ જોશી માટે આ સૌથી મોટો પ્રથમ કાર્યક્રમ હોવાથી તૈયારીમાં ક્યાંય કચાસ ન રહી જાય તે માટે મિટિંગોનો દોર સતત ચાલુ કરી દેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application