જય દ્વારકાધીશના નાદ સાથે દ્વારકામાં સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમ યોજાયો

  • April 20, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના સર્કિટ હાઉસ પાછળ ગ્રાઉન્ડ ખાતે લેન્ગવેજ વર્કશોપમાં લોકો ઉમટી પડયા: સૌરાષ્ટ્રીયન તમિલો અને ગુજરાતીઓએ ભાષાનું આદાન-પ્રદાન કર્યું: દ્વારકાના નાગેશ્ર્વર મંદિરે ઢોલ-નગારાથી ભકતો જુમી ઉઠયા: રુક્ષમણી માતાજીના મંદિરે કર્યા દર્શન

રાજય સરકાર દ્વારા દ્વારકામાં સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમની ઉજવણીના ભાગરુપે ગઇકાલે દ્વારકામાં લેન્ગવેજ વર્કશોપ, દ્વારકાધીશના દર્શન, નાગેશ્ર્વરના દર્શન તેમજ રુકમણી માતાજીના મંદિરે માથુ ટેકવવા ૩૦૦થી વધુ તમીલ મહેમાનો આવી પહોંચ્યા હતાં અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગ્રામજનોએ પણ પરંપરાગત પોષાકોમાં તમીલ લોકોનું સ્વાગત કર્યુ હતું.
દ્વારકાના સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાતી અને તમિલ લોકો વચ્ચે ભાષાના આદાન-પ્રદાન માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આજે વક્તા રેવતી શિવાકુમાર અને આનંદી કાર્તિકેયન દ્વારા લેન્ગવેજ વર્કશોપ અંતર્ગત ગુજરાતી અને તમિલ ભાષામાં રોજ બરોજના જીવનમાં વપરાતા વાક્યો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત એક હજાર વર્ષ પૂર્વે તમિલનાડુ ખાતે ગયેલા સૌરાષ્ટ્રીયન લોકો ઇતિહાસ, સંસ્કૃતી અને ભાષાકીય  આદનપ્રદાન અંગે જાણકારી આપી હતી.
વધુ માં જણાવ્યું હતું કે , હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન લોકો તમિલ લોકો સાથે દૂધમાં સાકાર ભળે તેમ ભળી ગયા છે. આ કાર્યશાળા યોજવાનો મુખ્ય હેતુ ગુજરાત અને તમિલનાડુના લોકો વચ્ચે એકબીજા સંસ્કૃતી અને ભાષા વિશે માહિતગાર કરવાનો છે.
આ કાર્યશાળાના અંતે  ઇ ક્વીઝ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં ગુજરાત ટુરિઝમના જોઇન્ટ એમ.ડી. જાડેજા, જિલ્લા કલેકટર અશોક શાહ, એસ.પી. નીતેશ પાંડેય, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, પ્રાંત અધિકારી ખંભાળિયા પાર્થ કોટડિયા, શારદાપીઠ સંસ્કૃત વિદ્યાપીઠના આચાર્ય, દ્વારકા મામલતદારશ્રી વી.કે. વરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-તમીલ સંગમ અન્વયે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તમીલ બાંધવો ગઇકાલે દ્વારકાના મહેમાન બન્યા હતાં અને તમામ લોકોએ દ્વારકાના નાગેશ્ર્વર મહાદેવના દર્શન કર્યા હતાં જયાં તેમનું ઢોલ-નગારા અને ત્રાસાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત તમીલ મહેમાનોએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી પૌરાણીક કથાઓ સાંભળીને અભીભુતી વ્યકત કરી હતી તેમજ રુકમણી માતાજીના દર્શન કર્યા હતાં. આમ ગઇકાલે દ્વારકામાં એક મોટો મહોત્સવ ઉજવાયો હતો.
**
૩૦૦ સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સૌપ્રથમ સોમનાથના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો ગઇકાલે દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા છે.  ૩૦૦ સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા મહેમાનોને આવકારવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્રીયન તમિલો અને ગુજરાતી દર્શનાર્થીઓ વચ્ચે પણ ભક્તિનું તાદાત્મ્ય સર્જાયું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application