સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ - મોરારિબાપુ

  • August 12, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ ભાવ નિરૂપણ વ્યક્ત કરી કહ્યું કે, સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ જ છે.



ગોસ્વામી તુલસીદાસજી પ્રાગટ્ય દિવસ પ્રસંગે યોજાયેલા સન્માન અર્પણ પ્રસંગે પ્રેરક મોરારિબાપુએ તેમનાં ભાવ ઉદ્બોધનમાં નિરૂપણ કરતાં કહ્યું હતું  કે, સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ જ છે, જેને ક્રમશ: ચાર મુખ, ચાર ભુજા અને ત્રણ નેત્ર છે.મોરારિબાપુએ તુલસીદાસજી આ ભાવરૂપ આપતાં જણાવ્યું હતું  કે, બ્રહ્માનાં ચાર મુખ એટલે સન્મુખ, ગોમુખ, વેદમુખ અને ગુરુમુખ છે. વિષ્ણુનાં ચાર બાહુ એટલે અજાન, વરદ્દ, અભય અને પાલક બાહુ છે આ સાથે મહેશનાં ત્રણ નેત્ર સત્ય, પ્રેમ અને કરુણા છે. 



કૈલાસ ગુરૂકુળમાં જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં આ પ્રસંગે  મોરારિબાપુએ આ ઉપક્રમ એ તેમનાં માટે શ્રવણ પર્વ ગણાવ્યું અને આગામી વર્ષે પાંચ દિવસનાં બદલે આ સંગોષ્ઠી સાથે જન્મોત્સવ સાત દિવસ ઉજવવા રાજીપા સાથે જાહેરાત કરી હતી. આ સમારોહમાં વાલ્મીકિ સન્માન રામાનંદદાસજી મહારાજ (અયોધ્યા) તથા સ્વામી રત્નેશજી મહારાજ (અયોધ્યા), વ્યાસ સન્માન યદુનાથજી મહારાજ (અમદાવાદ) તથા પંડિત ગજાનન શેવડેજી (મુંબઈ), તુલસી સન્માન પાર્શ્વગાયક મૂકેશજી વતી નીતિનજી (મુંબઈ) તથા અખિલેશ ઉપાધ્યાયજી (જમનિયા) અને રત્નાવલી સન્માન હિરામણી માનસ ભારતી (વારાણસી)ને એનાયત કરાયેલ. આ પ્રતિભાઓને મોરારિબાપુનાં હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે સન્માન પદક અર્પણ કરવામાં આવ્યા હતા. સન્માનિત મૂકેશજીનાં પુત્ર નીતિન દ્વારા તેમનાં પિતાનાં સ્મરણ સાથે રામાયણ સંબંધી ધ્વનિ મુદ્રણ સંગ્રહ લગાવ અને ઉલ્લેખ કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો અને તેમના કંઠે વિનયપત્રિકા રચના ગાન રજૂ થયું હતું.


હરિશ્ચંદ્ર જોષીનાં દ્વારા સંચાલન સાથેનાં ઉદ્બોધનમાં આ પ્રસંગ અને પર્વ મૌલિક હોવાં અંગે ઉલ્લેખ કર્યો હતો. મોરારિબાપુનાં સાનિધ્યમાં બુધવારથી શનિવાર દરમિયાન તુલસી સાહિત્ય સંગોષ્ઠી અને આજે રવિવારે જન્મોત્સવ સન્માનમાં મોટી સંખ્યામાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application