રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં (બ્લેક સી) કોમર્શિયલ જહાજ 'ગોલ્ડન લિયો' પર થયેલા ભયાનક મિસાઈલ હુમલામાં ૪ ભારતીય નાવિકોના મોત બાદ વૈશ્વિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આ દુર્ઘટના બાદ ભારતે કડક વલણ અપનાવીને રશિયા સામે વિરોધ નોંધાવ્યા પછી હવે રશિયાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
રશિયાએ મંગળવારે સ્પષ્ટતા કરી છે કે યુક્રેનના કિનારે મર્ચન્ટ શિપ પર થયેલા હુમલામાં ચાર ભારતીયોના મોત બાદ તે નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ આંતરરાષ્ટ્રીય દુર્ઘટના અને રાજદ્વારી ગતિવિધિઓ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
યુક્રેન પ્રશાસનના દાવા અનુસાર, રવિવારે ગિની-બિસાઉના ધ્વજ હેઠળ મકાઈ (કોર્ન) લઈને જઈ રહેલા ‘ગોલ્ડન લિયો’ (GOLDEN LEO) નામના માલવાહક જહાજ પર રશિયા દ્વારા ત્રણ ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી. દક્ષિણ યુક્રેનના ઓડેસા બંદરગાહ નજીક થયેલા આ ભયાનક હુમલામાં ભારત અને સીરિયાના નાગરિકો સહિત કુલ ૧૦ લોકોના દર્દનાક મોત થયા છે.
ભારતે રશિયન રાજદ્વારીને સમન્સ પાઠવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સામે આવ્યા બાદ ભારત સરકારે મંગળવારે નવી દિલ્હી સ્થિત રશિયન પ્રભારી (ચાર્જ ડી અફેર્સ) ને સમન્સ પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, "ઉપલબ્ધ માહિતી અનુસાર અમારા ૪ ભારતીય નાગરિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યો છે, જ્યારે એક નાગરિકની હાલત ગંભીર છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુક્રેનમાં આવેલું અમારું દૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પીડિતોને તમામ સંભવિત મદદ પૂરી પાડવામાં આવી રહી છે."
ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા, સામાન્ય નાવિકોના જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ દરિયાઈ અવરજવરની સ્વતંત્રતામાં બાધાઓ ઊભી કરવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને નિંદનીય છે.
કેરળના ૨૬ વર્ષીય યુવાન નાવિકે પણ જીવ ગુમાવ્યો
આ હુમલામાં માર્યા ગયેલા ચાર ભારતીયોમાંથી એક નાગરિકની ઓળખ કેરળના કાસરગોડ જિલ્લાના વેલ્લારીક્કુંડુ વિસ્તારના રહેવાસી ૨૬ વર્ષીય મર્ચન્ટ નેવી ઓફિસર અખિલ જોયન તરીકે થઈ છે. શિપિંગ કંપનીએ સોમવારે ઈમેલ દ્વારા અખિલના પરિવારને આ દુઃખદ સમાચાર આપ્યા હતા.
અખિલ તાજેતરમાં જ રજાઓમાં પોતાના ઘરે આવ્યો હતો, જ્યાં તેની સગાઈ થઈ હતી. આ ખુશીના પ્રસંગ બાદ તે માંડ એક મહિનો પહેલા જ પોતાની ફરજ પર પાછો ફર્યો હતો. તેના અવસાનના સમાચારથી તેના પરિવાર અને સમગ્ર ગામમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયાવાઈ ગઈ છે.