ઓછી માઈલેજ માત્ર એન્જિનની સ્થિતિ પર જ નહીં, પણ ટાયરમાં હવાના દબાણ પર પણ આધાર રાખે છે. ભારતમાં લોકો ટાયર પ્રેશર તપાસવાને એક સામાન્ય અને નજીવું કાર્ય માને છે. જોકે, ઓટોમોટિવ ટાયર મેન્યુફેકચરર્સ એસોસિએશન દ્રારા તેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ઓછા ટાયર પ્રેશરને કારણે દેશમાં દર વર્ષે રૂા.૪,૫૦૦ કરોડથી વધુનું પેટ્રોલ વેડફાય છે.
એટીએમએની ટેકનિકલ શાખા, આઈટીટીએસીએ દેશભરમાં ૧.૩ લાખથી વધુ વાહનોના ટાયરની તપાસ કર્યા પછી આ ખુલાસો કર્યેા છે.
સર્વે મુજબ, ભારતમાં આશરે ૩૨ ટકા વાહનો તેમની ભલામણ કરેલ મર્યાદા કરતા ૨૦ ટકા ઓછી હવા પર ચાલી રહ્યા છે. દરમિયાન, ૨૧ ટકા વાહનો ૧૦ થી ૨૦ ટકા ઓછા દબાણ પર ચાલી રહ્યા છે. ભારતનો વાર્ષિક પેટ્રોલ વપરાશ આશરે ૫૬.૭૭ અબજ લિટર છે. ઓછા ફલેલા ટાયર વાહનોને વધુ બળ આપે છે, જેના પરિણામે વાર્ષિક આશરે ૪૨૫.૭ મિલિયન લિટર પેટ્રોલનું નુકસાન થાય છે.
વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્ર્રીય અભ્યાસોને ટાંકીને, અહેવાલમાં જણાવાયું છે કે ટાયર પ્રેશરમાં માત્ર ૧ પીએસઆઈ ઘટાડો થવાથી વાહનની ઈંધણ કાર્યક્ષમતા, અથવા માઇલેજમાં આશરે ૦.૨ ટકાનો ઘટાડો થાય છે. ભારતીય રસ્તાઓ પર આ બેદરકારીને કારણે ઈંધણ કાર્યક્ષમતામાં એકંદરે ૦.૭૫ ટકા ઘટાડો થઈ રહ્યો છે. સૌથી અગત્યનું, દર વર્ષે . ૪,૫૦૦ કરોડનું આ અંદાજિત નુકસાન ફકત પેટ્રોલ વાહનો માટે છે. તેમાં ડીઝલ, સીએનજી અથવા એલપીજી વાહનોનો સમાવેશ થતો નથી.