અમરનગરમાં માતાજીના માંડવા સમયે યુવાનના ઘરમાંથી ૧.૭૫ લાખની ચોરી

  • April 15, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના અમરનગરમાં રહેતા અને ગોંડલ રોડ પર ચાની હોટલ ધરાવનાર યુવાનના ઘરે માતાજીનો માંડવો હતો. દરમિયાન કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત 1.75 લાખની મત્તા ચોરી થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શંકાસ્પદ શખસ અવારનવાર ઘરમાં દર્શનના બહાને આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઈ બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અમરનગર શેરી નંબર-૩ અમરનાથ મહાદેવ મંદિરની સામે રહેતા જતીનભાઈ રમેશભાઈ ઓળકિયા (ઉ.વ 30) દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલ રોડ પર વૈદ્યવાળી-૧ માં ચામુંડા ટી સ્ટોલ નામની ચાની હોટલ ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 8/4 ના રાત્રીના તેના ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજીનો માંડવો હોય અહીં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા અને તેમની અવરજવર ચાલુ હતી. ઘરના દરવાજા ખુલ્લા હતા રાત્રીના બાર વાગ્યા આસપાસ ઘરમાં બેડરૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ સુરક્ષિત સ્થિતિમાં જોયો હતો. બાદમાં એકાદ વાગ્યા આસપાસ યુવાનને તેની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ઘરમાં કબાટનો દરવાજો ખુલ્લો છે અને બધું વેરવિખેર હાલતમાં પડ્યું છે જેથી યુવાન તુરંત ઘરે જઈ તપાસ કરતા કબાટનો દરવાજો ખુલ્લો હોય અને કબાટની તિજોરીના ખાનામાં સામાન વેરવિખેર હતો. તિજોરીમાં તપાસ કરતા સોનાની બુટ્ટી, રુદ્રાક્ષનો સોનાનો પારો, સોનાનો દાણો, સોનાનુ પેન્ડલ, ચાંદીની લકી, ચાંદીનું નારીયલ, ચાંદીનો સિક્કો સહિત કુલ રૂપિયા 1,73,300 ની કિંમતના સોના -ચાંદીના ઘરેણા તથા રૂપિયા 2000 રોકડ મળી કુલ રૂપિયા 1,75,300 ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.


ઘરમાં પ્રસંગ દરમિયાન આ ઘટના બની હોય જેથી ફરિયાદીએ પ્રથમ સગા સંબંધીઓને આ બાબતે પૂછ્યું હતું. ત્યારબાદ અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શંકાસ્પદ શખસ અહીં વારંવાર દર્શન કરવાના બહાને આવતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી તે પર શંકા જતા બાદમાં તપાસ કરતા આ શખસે અહીં મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં ગોદડા નીચે રાખેલ કબાટની ચાવી લઈ કબાટનો દરવાજો ખોલી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું. આ અંગે યુવાનની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર આ શખસને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application