રાજકોટમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવારણ જોવા મળી રહ્યું છે. જોકે બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું છે. વરસાદી ઝાપટાથીશહેરના રાજમાર્ગો ભીના થઈ ગયા છે.
શહેરના યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા સ્થાનિક રહીશો અને ખાસ કરીને બાળકોએ આ વરસાદી ઝાપટાંની મજા માણી હતી. જોકે, બપોરના સમયે ઓફિસ અને કામકાજ અર્થે નીકળેલા કેટલાક વાહનચાલકો અચાનક આવેલા વરસાદના કારણે રસ્તામાં આશ્રય લેતા નજરે પડ્યા હતા.
ચાલુ વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆતના સંકેત આપતા આ વરસાદી માહોલને પગલે સમગ્ર રાજકોટ પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી રાઉન્ડ આવી શકે છે.